માલેગાંવ હવાલા કૌભાંડમાં સુરતના માંડવી, અલથાણ સહિત દેશભરમાં ઇડીના દરોડા
નવી દિલ્હી, મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે બોગસ બેન્ક એકાઉન્ટ્સ થકી કરોડો રૂપિયા સગેવગે કરવાના પ્રકરણમાં સુરત સહિત અમદાવાદ, મુંબઈ સહિત દેશના ૨૩ સ્થળે મુંબઈ એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ દરોડા પાડ્યા છે.
અત્યારસુધી સામે આવેલા આંડકા મુજબ ૧૧૨ કરોડના હવાલા કૌભાંડના કનેક્શનમાં આ દરોડા કાર્યવાહી થઈ છે. માંડવીમાં જેમને ત્યાં દરોડા પાડ્યા હતાં, તે ભાજપ સાથે સંકળાયેલા સ્થાનિક નેતા હોવાનું જણાયુ છે. ઉપરાંત સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આંગડિયા પેઢી થકી નાણાં શિફ્ટ કરનાર ફાઇનાન્સરને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માલેગાંવ ખાતે બોગસ બેન્ક એકાઉન્ટ્સ થકી કરોડો રૂપિયા સગેવગે કરવાના પ્રકરણમાં ઈડી દ્વારા હાથ ધરવામાં આવી છે. મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આજે વહેલી સવારથી ઈડીની અલગ અલગ ટીમો દ્વારા દરોડા કાર્યવાહી શરૂ કરાઈ હતી.
સુરતના માંડવીમાં ગોપાલનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. હવાલાની કેટલીક એન્ટ્રી માંડવીમાં પણ પડી હતી, એટલે મુંબઈ ઇડીની એક ટીમ માંડવીમાં પણ પહોંચી હતી. જોકે, ઇડીની તપાસ દરમિયાન જ્યાં દરોડા પાડ્યા હતા તે વ્યક્તિ માંડવી નગરપાલિકામાં ભાજપ સાથે સંકળાયેલી છે. નગરપાલિકામાં પહેલાં બે વખત પદાધિકારી પણ રહી ચૂક્યા છે. એટલે, ઇડીએ વધારે સખ્તાઈ દાખવી નહતી.
અલબત્ત, તપાસના અંતે તેમના દસ્તાવેજો કબ્જે લીધા છે અને નિવેદન આપવા માટે મુંબઈ બોલાવાશે, તેવી તાકીદ કરાઈ હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાછીયા ફળિયામાં અને ગોપાલનગરમાં જિલ્લાના એક ટોચના ચુંટાયેલા પ્રતિનિધિનાં વહીવટકર્તા તરીકે કામ કરતા માંડવી ન.પા.નાં હોદ્દેદારને ત્યાં સર્ચ કાર્યવાહી કરી બેગ ભરી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.
જોકે, ઇડી એ સુરતમાં હજી આ પ્રકરણમાં કોઈની ધરપકડ કરી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માંડવીમાં જે આગેવાનને ત્યાં દરોડા પડાયા હતાં, તે ચૂંટાયેલા મોટા આદિવાસી નેતાની ખૂબ નજીકના હોવાનું કહેવાય છે.
વધુમાં મળતી માહિતી અનુસાર માલેગાંવ ખાતે સિરાજ અહમદ નામના વ્યક્તિ દ્વારા ગરીબ અને અભણ લોકોને રૂપિયા અને નોકરીની લાલચ આપી તેમના દસ્તાવેજો મેળવ્યા બાદ સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. સિરાજે બેન્ક એકાઉન્ટ્સમાં ૨૨૦૦થી વધુ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
અંદાજે ૧૧૨ કરોડ રૂપિયા આ વ્યવહારોથી સગેવગે કરાયા હતા. માલેગાંવમાં ચા અને કોલ્ડ્રીંક્સની એજન્સી ધરાવતાં સિરાજે બોગસ બેન્ક એકાઉન્ટ્સ ખોલવા માટે ગરીબ અને અભણ લોકોને ટાર્ગેટ કર્યા હતા.
તેમના ડોક્યુમેન્ટ્સના આધારે માલેગાંવ નાસિક મર્કેન્ટાઈલ બેન્કમાં અસંખ્ય બેન્ક એકાઉન્ટ્સ ખોલાવવામાં આવ્યા હતા. તેના થકી ૧૧૨ કરોડ રૂપિયાથી વધુ રકમ સગેવગે કરાઈ હતી. ઈડીને જાણ થતાં સિરાજ અહમદના ઘર-ઓફિસ સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.SS1MS