ઈડી છેતરપિંડીનો ભોગ બનેલાઓને આ વર્ષે રૂ.૧૫,૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દેશભરમાં રિયલ એસ્ટેટ, પોન્ઝી અને અન્ય છેતરપિંડીમાં ભોગ બનનાર લોકોને ચાલુ નાણાકીય વર્ષમાં આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ પાછી આપવાનું નક્કી કર્યું છે.
તપાસ સંસ્થાએ આ તમામ સંપત્તિ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ સંસ્થાએ એન્ટિ-મની લોન્ડરિંગ કાયદા હેઠળ ઉપલબ્ધ મિલ્કતોને પાછી આપવાની જોગવાઇની શરૂઆત કરી દીધી છે.
ગત વર્ષથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં જેમની સાથે છેતરપિંડી થઇ છે તેવા કાયદેસરના માલિકોને મિલ્કતો મળી રહેશે. નાણાકીય ગુના દ્વારા છેતરાયેલા કાયદેસર માલિકો અને હકદાર દાવેદારોને તેમના બાકી નાણાં મળે તે સુનિશ્ચિત કરવા માટેની પ્રક્રિયા આક્રમકરીતે શરૂ કરાઇ છે તેમ દસ્તાવેજોમાં જણાવાયું છે. અત્યારસુધી આ જોગવાઇ હેઠળ રૂ. ૩૧,૯૫૧ કરોડની સંપત્તિ પાછી અપાઇ છે.
આમાંથી ૨૦૧૯-૨૧માં રૂ. ૧૫,૨૦૧ કરોડની અસ્કયામતો પાછી અપાઇ હતી. જેમાં ભાગેડુ આરોપીઓ વિજય માલ્યા અને નિરવ મોદી ઉપરાંત નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડના મની લોન્ડરિંગના ત્રણ કેસને લગતી સંપત્તિઓ હતી.
ગત વર્ષે જૂનમાં જ ઇડી ડિરેક્ટર રાહુલ નવીને મની લોન્ડરિંગના તમામ કેસોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. જેમાં છેતરપિંડીના ભોગ બનેલા પીડિતોને પાછી આપી શકાય તેવી સંપત્તિઓ નક્કી કરાઇ હતી. એ પછી સંસ્થાએ સંપત્તિ પરત આપવાની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજીઓ ફાઇલ કરી હતી અને તેમાંથી તેને ૩૨ કેસોમાં કોર્ટના આદેશો મળ્યા હતા તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ED વડાએ તાજેતરમાં એજન્સીના તમામ પ્રદેશોને “નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ પરત આપવા માટે ચિહ્નિત કેસ પર સક્રિયપણે કામ કરવા” નિર્દેશો જારી કર્યા છે.
તપાસ અધિકારીઓ અને તેમના સુપરવાઇઝરી અધિકારીઓને સક્ષમ કોર્ટ સમક્ષ ખાસ અરજીઓ દાખલ કરવા અને અંતિમ આદેશ જારી ન થાય ત્યાં સુધી તેને ફોલો અપ કરવાની સૂચના આપી છે. જ્યાં વળતર મળી શકે છે તેવા આવા વધુ કેસો પર કામ ચાલી રહ્યું છે, તેમ અધિકારીઓએ ઉમેર્યું હતું.SS1MS