શિક્ષિત મહિલા અને તેમાં પણ ‘સજીવ ખેતી’ કરતાં ખેડૂત મહિલા એટલે જામનગરના મધુબહેન
અળસીયા આધારિત ખાતરનું ઉત્પાદન કરી ‘સજીવ ખેતી’ કરી મેળવે છે પાકમાં નફો-રાસાયણિક ખાતરોથી પ્રદૂષિત થયેલી જમીનને કુદરતી પોષક તત્વો પૂરું પાડતું વર્મીકમ્પોસ્ટ
વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે મધુબહેન 0 થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ટકી રહેતા ઓસ્ટ્રેલિયન પ્રજાતિના અળસિયાનો ઉપયોગ કરે છે.
એક શિક્ષિત મહિલા ઈચ્છે તો શું ન કરી શકે! એક નવીન વિચાર અને નવા પ્રયોગ સાથે મધુબહેન ચેતરીયા લગ્ન બાદ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગ કરતા થયા. લગ્ન પહેલાં તેમણે ક્યારેય ખેતી નહોતી કરી; પરંતુ લગ્ન બાદ તેઓએ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
તેઓ એક ખેડૂત મહિલા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે. તેઓ જીવનમાં ક્યારેય વિચાર્યું ન હોય અથવા કર્યું ન હોય તેવું કામ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે કરી રહ્યા છે. જામનગર શહેરની બહાર એક નાનકડી જમીનમાં જુદા જુદા પ્રયોગો પ્રાકૃતિક ક્ષેત્રે તેઓ કરી રહ્યા છે.
સંયુક્ત પરિવારમાં રહેતા, જામનગરના નિવાસી અને દેવભૂમિ દ્વારકાના વતની મધુબહેન જામનગરના કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામ ખાતેની 100 વીઘાની સહયારી જમીન પર પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ આ જમીન પર વાવેતર કરીને પ્રાકૃતિક ખેતીના સહારે અલગ અલગ પાકનું ઉત્પાદન કરે છે. મધુબહેન ખેતી ક્ષેત્રે સૌથી વધુ અસરકારક અને કુદરતી હોય તેવી અળસિયાના ખાતર (વર્મીકમ્પોસ્ટ)ની ખેતી કરે છે.
જ્યારે લોકડાઉન નો સમય હતો ત્યારે મધુબહેનને અળસિયા આધારિત ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટ બનાવવાનો વિચાર આવ્યો હતો. વર્મીકમ્પોસ્ટ બનાવવા માટે મધુબહેન 0 થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ટકી રહેતા ઓસ્ટ્રેલિયન પ્રજાતિના અળસિયાનો ઉપયોગ કરે છે. આ અળસિયા 24 કલાક સતત સક્રિય હોય છે.
પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન આ અળસિયા સંખ્યામાં ચાર ગણા થઈ જતા હોય છે. જમીનમાં 4×30 ફૂટની એક બેડ તૈયાર કરીને તેની આજુબાજુ ઈંટોની દોડ ફૂટ ઊંચી દીવાલ કરી તેમાં છાણ નાખવામાં આવે છે. આ એક બેડમાં 30 કિલો અળસિયા નાખવામાં આવે છે.
આ બેડને યુ શેપમાં રાખીને તેને પ્લાસ્ટિકથી ઢાંકી દઈને દિવસભર તેની પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ કારણે સતત દિવસ દરમિયાન તેમાં ભિનાશ જળવાઈ રહે છે અને આ રીતે મધુબહેન ખાતર (વર્મીકમ્પોસ્ટ) તૈયાર કરે છે.
કોરોના કાળમાં ઓર્ગેનિક વસ્તુઓની માંગ વધતા જાન્યુઆરી 2021 માં મેરઠ ખાતેથી અળસિયાના ખાતર અંગેની ટ્રેનિંગ લીધી, ત્યારબાદ મધુબહેને પ્રતિ કિલો 300 ના ભાવના 100 કિલોગ્રામ અળસિયાની ખરીદી કરી 30 બેડ થી અળસિયાના ખાતર બનાવવાની શરૂઆત કરી. તેમનું માનવું છે કે, વર્મીકમ્પોસ્ટથી તથા પ્રાકૃતિક ખેતીથી દરેક ખેડૂતને 50% જેટલો નફો થઈ શકે છે.
મધુબહેને જામનગરમાં લોકડાઉન દરમિયાન જ પોતાના પરિવારના સભ્યો માટે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી હતી. સમય જતા રાસાયણિક ખાતરના વિકલ્પરૂપે એક વર્ષ પહેલા 30 બેડથી વર્મીકમ્પોસ્ટ યુનિટ ઊભું કર્યું હતું. આજે તેનું વિસ્તરણ કરીને 100 બેડ દ્વારા વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે. બીજો એક નવતર પ્રયોગ તેમણે સુકા લેવામાં વપરાતી બદામ માટે કર્યો. તેઓ પ્રાકૃતિક ખેતી તથા વર્મીકમ્પોસ્ટની મદદથી જ તૈયાર કરાયેલી બદામનો અનોખો પાક તૈયાર કર્યો.
મધુબહેન ઘણા સમયથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જામનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. પોતાના ઉત્પાદનનું મૂલ્ય વૃદ્ધિકરણ કરી તેઓ જાતે જ તેનું વેચાણ કરે છે.
પ્રાકૃતિક ખેતીનો સહારો હાલના સમયમાં એટલા માટે જરૂરી છે કારણ કે, જમીનમાં કેમિકલ અને પ્રદૂષણની ભરમાર હોય છે. સામાન્ય રીતે થતી ખેતીમાં કેમિકલ અને પ્રદૂષણની આડઅસર થતી હોય છે. આ કારણે માનવ શરીરમાં ઘણા બધા જીવલેણ રોગોનો પ્રવેશ થાય છે.
ખેતી ક્ષેત્ર ઉત્પાદન વધારવા માટે આજનો ખેડૂત જમીનમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના નામે જમીનમાં ઝેર ભેળવી રહ્યો છે. આજે ખોરાક મારફતે આ ઝેર લોકોના શરીરમાં પહોંચે છે અને લોકોના શરીરમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ઉત્પન્ન કરે છે.
જમીનને કુદરતી પોષક તત્વોની આવશ્યકતા રહે છે તે માટે જમીનને સમય સમયે ઓર્ગેનિક ખાતર આપવું જોઈએ તેવું મધુબહેનનું માનવું છે. કુદરતી ખાતર માંથી જરૂરી પોષક તત્વો જેવા કે, કાર્બન, ફોસ્ફેટ વગેરે મળી રહે છે. આ કુદરતી પોષક તત્વોના અભાવના કારણે પાકમાં ફૂગ અને ફંગસ જેવા રોગો જોવા મળે છે.
મધુબહેનનો એક ધ્યેય છે કે, ગુજરાતના તમામ ખેડૂતો ખાસ કરીને મહિલા ખેડૂતો આ ખાતર અપનાવે, તેનું ઉત્પાદન કરે, તેમાંથી કમાણી કરે તથા સજીવ ખેતી અપનાવે. ગુજરાતના કોઈપણ ખેડૂતને અળસિયાના ખાતર અને કે કોઈપણ જાતનું માર્ગદર્શન જોઈતું હોય,
ત્યારે મધુબહેન નિ:શુલ્ક માર્ગદર્શન અને રાહત ભાવે અળસિયા આપવાની તૈયારી બતાવે છે. ગુજરાતમાં ખેડૂતો જમીનની ગુણવત્તા સુધારવા પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ‘સજીવ ખેતી’ કરે તેવી તેમની આશા છે. – શ્રદ્ધા ટીકેશ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.