કેજરીવાલ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્રના પ્રયાસોઃ સુનિતા
દારૂ કૌભાંડમાં CBIએ કેજરીવાલની કરેલી ધરપકડ-સીબીઆઈએ કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં તપાસ એજન્સીને મંગળવારે સંબંધિત ટ્રાયલ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને હાજર કરવાની મંજૂરી મળી ગઈ છે. આજે સીએમ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી કોર્ટે દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલ્યા છે.
સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઔપચારિક રીતે ધરપકડ કરી લીધી અને તેમની પાંચ દિવસની કસ્ટડી માગી હતી. સ્પેશિયલ જજ અમિતાભ રાવતે કસ્ટડી અરજી પર આદેશ રિઝર્વ રાખ્યો છે. કોર્ટ સમક્ષ પોતાની રજૂઆતમાં કેજરીવાલે આ કેસમાં પોતાની નિર્દોષતાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી બંને નિર્દોષ છે.
આમ આદમી પાર્ટીના નેતા રીના ગુપ્તાએ કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે સીબીઆઈ પાસે બે વર્ષથી આ ૫૦,૦૦૦ દસ્તાવેજો છે, તેઓએ ક્યારેય અરવિંદ કેજરીવાલને ફોન કર્યો નથી. હવે અરવિંદ કેજરીવાલ અચાનક કેવી રીતે સાક્ષીમાંથી આરોપી બની ગયા? કેજરીવાલને બહાર ન આવે તે માટે આ સીધું રાજકીય કાવતરું હતું,
તેથી આજે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે પહેલીવાર અરવિંદ કેજરીવાલને ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાના જામીન કેસમાં સીબીઆઈ એ જ વાર્તાનું પુનરાવર્તન કરી રહી છે, જે આજે અરવિંદ કેજરીવાલના કેસમાં પુનરાવર્તન કરી રહી છે.
મગુંતા રેડ્ડી, જેમના નિવેદનને સીબીઆઈ કેજરીવાલની ધરપકડનો આધાર બનાવી રહી છે, તેઓ જુલાઈ ૨૦૨૩માં મનીષ સિસોદિયાના કેસમાં પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. જ્યારે ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા અને સુપ્રીમ કોર્ટ તેમને જામીન આપવા જઈ રહી હતી
ત્યારે તેમને મગુંતા રેડ્ડીનું નિવેદન કેમ યાદ ન આવ્યું? ગઈકાલે વડાપ્રધાન મોદી ઈમરજન્સી વિશે રડી રહ્યા હતા, મને લાગે છે કે આજે આનાથી મોટી કોઈ ઈમરજન્સી હોઈ શકે નહીં.
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું કે અરવિંદ કેજરીવાલને ૨૦ જૂને જામીન મળી ગયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તરત જ સ્ટે લાદી દીધો હતો. બીજા જ દિવસે સીબીઆઈએ તેમને આરોપી બનાવ્યા અને આજે ધરપકડ કરી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, આ કટોકટી છે.