અમેરિકામાંથી વધુ આઠ ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા

ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા અને અહીં તેમનું વેરિફિકેશન કરાયું હતું
નવી દિલ્હી, અમેરિકાથી બીજી ફ્લાઈટમાં કુલ ૧૧૬ ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. જેમાંથી ૮ ગુજરાતીઓ હતા. આ તમામ ગુજરાતીઓ પહેલા અમૃતસર યુએસ મિલિટરી પ્લેનથી ડિપોર્ટ કરાયા હતા. ત્યાંથી ઈન્ડિગોની ફ્લાઈટમાં તેમને અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અહીં તેમનું વેરિફિકેશન કરાયું હતું અને બાદમાં પોલીસની ગાડીમાં બેસીને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે અમેરિકાથી ડિપોર્ટ કરનારા ભારતીયોનું ત્રીજુ વિમાન પણ અમૃતસર લેન્ડ થશે એવી માહિતી મળી રહી છે. આ પ્લેન રાત્રે ૧૦ વાગ્યે લેન્ડ થશે એવા અહેવાલ છે અને આમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની હશે એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે.
ગત રાત્રે ૧૧૬ ઈલીગલ ઈન્ડિયન ઈમિગ્રન્ટ્સને લઈને અમેરિકાથી બીજી ફ્લાઈટ પણ અમૃતસર પહોંચી ગઈ હતી. તેમને ત્યાં ડિપોર્ટ કરી દેવાયા હતા. અગાઉ પહેલી ફ્લાઈટમાં ૩૩ ગુજરાતીઓ હતા, જ્યારે બીજી ફ્લાઈટમાં ૮ ગુજરાતીઓ હતા. આમાં સૌથી વધુ ગાંધીનગર, મહેસાણાના હોવાના અહેવાલો મળી રહ્યા છે.
અમદાવાદ એરપોર્ટ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે બાદમાં અહીં આવેલા તમામ ૮ ઈલીગલ અમેરિકા ગયેલા ગુજરાતીઓને એરપોર્ટ પર પહોંચતાની સાથે જ કાળા પડદાવાળી પોલીસની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, આઈબી, એસઓજી સહિતની ટીમનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેવામાં હજુ પણ અમેરિકાથી ઈલીગલ ઈમિગ્રન્ટ્સને લઈને ત્રીજુ વિમાન ૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ ભારત આવશે એવા અહેવાલો મળી રહ્યા છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના કેટલાક ડેટા પ્રકાશિત થયા હતા. એના મુજબ ભારતથી લગભગ ૭ લાખ ૨૫ હજાર ઈલીગલ ઈમિગ્રન્ટ્સ અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી જો કોઈ દેશથી સૌથી વધુ ગેરકાયદેસર લોકો રહેતા હોય તો તે ભારત છે. ઈલીગલ ઈમિગ્રન્ટ્સ ભારતથી વધારે જતા હોય છે. તેવામાં ૧૫મી તારીખે મોડી રાત્રે બીજી ડિપોર્ટેશન ફ્લાઈટ અમૃતસરમાં લેન્ડ થઈ હતી. જેમાં ૧૧૬ લોકો સવાર હતા, એમાં સૌથી વધુ ૬૫ લોકો પંજાબના હતા. જ્યારે ૩૩ હરિયાણા અને ૮ લોકો ગુજરાતીઓ હતા.