ગુજરાતને વધુ હરીયાળું બનાવવાના લક્ષ્ય સાથે ગાંધીનગરથી ‘એક પેડ મા કે નામ’ ગીત લોન્ચ કરતા વન મંત્રી
ગુજરાતમાં અત્યારે સુધીમાં ‘એક પેડ મા કે નામ‘ અભિયાન અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાથી અંદાજે ૬.૫૫ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા. ૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે દિલ્હી ખાતે માતાના નામે એક વૃક્ષ વાવીને ભારતભરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સહિત મહાનુભાવો- નાગરિકોએ પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને આ અભિયાનને જન જન સુધી પહોંચાડ્યું છે ત્યારે આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.આ અભિયાનમાં વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ‘એક પેડ મા કે નામ’ ગીતનું આજે ગાંધીનગર ખાતેથી વન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે તેમજ રાજય વન મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
વન મંત્રી શ્રી મુળુભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે સુધીમાં ‘એક પેડ મા કે નામ‘ અભિયાન અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાથી અંદાજે ૬.૫૫ કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આ અભિયાન શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઉત્સાહ પૂર્વક ચાલી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના શબ્દોમાં કહ્યું હતું કે, દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ “મા” સાથેનો છે. માતા પોતાનો બધો સ્નેહ બાળકોને આપી દે છે. જન્મદાત્રી માતાનો આ પ્રેમ આપણાં બધા પર એક ઋણની જેમ હોય છે, જેને કોઈ આજીવન ચુકવી ન શકે. વડાપ્રધાનશ્રીએ આ ઋણ ચુકવવા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક વૃક્ષ માતાનાં નામ પર “એક પેડ મા કે નામ” વાવીને અભિયાનની શરૂઆત કરાવી છે. નાગરિકોને વૃક્ષો અને માતા સાથે જે લાગણીનાં સંબંધો હોય તેવા સ્નેહનાં તંતુઓ સાથે બાંધવાનો એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. આજે રાજયભરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં નાગરિકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે ત્યારે વધુને વધુ નાગરિકો સુધી આ સંદેશ પહોંચે તેવા ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા આજે આ ‘એક પેડ મા કે નામ‘ગીત લોંચ કરવામાં આવ્યું છે.
આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઇને માતાનાં નામે એક વૃક્ષ વાવીને આપણી ધરતી માતાને વધુ હરિયાળી બનાવીને પ્રકૃતિનું પણ ઋણ અદા કરવા વન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વન વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર,હેડ ઓફ ગુજરાત ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ.ડી. સિંઘ,PCCF સામાજિક વનીકરણ ડૉ.એ. પી. સિંઘ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એક પેડ લગાવો માં કે નામ ગીતના શબ્દો…
●●●●●●●●●●●●●
મોદીજીનું આ વિઝન
પૂરું કરીયે મિશન
એલાંન કરીયે ગામે ગામ
એક પેડ લગાવો માં કે નામ
ફરજ માનીસૌ જણ
કરીયે વૃક્ષારોપણ
સાથે મળી સૌ કરીયે કામ
એક પેડ લગાવો માં કે નામ
●●●●●●●●
જનની રાજી,ધરતી રાજી રાજી રાય રણછોડ
નગરી ને નંદનવન કરવા ઉછેરીયે એક છોડ
દેશ આખો બને વનરાવન
સૌ મળી ને કરીયે જતન
છોડ માં રણછોડ ધનશ્યામ
એક પેડ લગાવો માં કે નામ
વરસાદ લાવશે વન
ખીલશે ધરતી ગગન
આવો કરીયે મળી ને કામ
એક પેડ લગાવો માં કે નામ