‘એક સાંજ જવાનોને નામ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૈનિકોનો ઉત્સાહ વધારતા રાજ્યપાલ
ભારતની એકતા અને અખંડિતતા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વીર જવાનોનો રાષ્ટ્રપ્રેમ અનન્ય છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, ભારતની એકતા અને અખંડિતતા કાજે પોતાનું જીવન ન્યોછાવર કરનારા વીર જવાનોની દેશસેવા અનન્ય છે. જવાનો દેશની શાંતિ-સુરક્ષા માટે રાત-દિવસ ખડેપગે રહે છે તેના કારણે જ આપણે દેશની અંદર શાંતિનો શ્વાસ લઈ શકીએ છીએ.
રાજ્યપાલશ્રીએ સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયેલા ‘એક સાંજ જવાનોને નામ’ કાર્યક્રમમાં સેનાના જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, દેશમાં આઝાદી બાદ વિખંડિત કરવાના અનેક પ્રયાસો છતાં આ દેશ એક અને અખંડિત રહ્યો છે તેનું મુખ્ય શ્રેય વીર જવાનોને જાય છે. તેમણે ઉમેર્યું કે, દેશના જવાનોએ પોતાના જાનની પણ પરવા કર્યા વગર દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે જે બલિદાન આપ્યા છે તેને સ્મરણ કરવાનો આ અવસર છે.
રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં શૌર્યપ્રધાન કાવ્ય-પંક્તિઓ દ્વારા સૈનિકો અને તેમના પરિવારનો જુસ્સો વધાર્યો હતો અને ઉપસ્થિત લોકોના હરખમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રીએ કહ્યું કે,દેશના જવાનો અને તેમના પરિવાર માટે આ પ્રકારના મનોરંજક કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ.
કોઈ પણ દેશનું ગૌરવ તેની યુવા પેઢી હોય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારતના લશ્કરનો ઈતિહાસ શૌર્યગાથા,પરાક્રમ અને વીરતાથી ભરેલો છે, જેનું સમગ્ર દેશને ગૌરવ છે. આ ઈતિહાસ ગાથાઓમાંથી આવનારી પેઢી પ્રેરણા લે અને ભારત માતાના મસ્તકને સદાય ઉન્નત રાખવામાં પોતાનું યશસ્વી યોગદાન આપે. તેમણે કહ્યું કે, ભારતીય લશ્કર યુદ્ધના મેદાનમાં તો પોતાનું શૌર્ય દાખવે જ છે સાથેસાથે દેશમાં જ્યારે જ્યારે તેમની જરૂરિયાત ઉભી થાય ત્યારે પોતાના ઘર પરિવારની પણ ચિંતા કર્યા વિના ખડેપગે ઉભું રહે છે. આ ઉપરાંત દેશમાં જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે પણ પોતાની શ્રેષ્ઠ સેવા દ્વારા પરાક્રમ સાથે લશ્કરે સેવાની સુવાસ પણ ફેલાવી છે.
ભારતીય સેનાના જવાનોની દેશસેવા અદભૂત અને અનન્ય તો છે જ સાથેસાથે તેમના પરિવારજનો પણ જવાનોને શાંતિથી પોતાનું કાર્ય કરી શકે તે માટે જે સહકાર અને અનુકુળતા કરી આપે છે તે પણ પ્રસંશાને પાત્ર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં ગોલ્ડન કતાર ડિવિઝનના જનરલ ઓફિસર્સ કમાન્ડિંગ મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવે કેન્ટોનમેન્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. લેડી ગવર્નર સુશ્રી દર્શનાદેવી , સૈનિકો અને સૈનિકોના પરિવારજનો હર્ષ અને ઉમંગના આ અવસરમાં સહભાગી બન્યા હતા.