શ્રદ્ધા કપૂરે જંગી ફી માગતા એકતા કપૂર નારાજ થઈ

મુંબઈ, ફિલ્મ અને ટેલિવિઝનની દિગ્ગજ પ્રોડ્યુસર એકતા કપૂરે નારી પ્રધાન ફિલ્મ બનાવવાનું વિચાર્યુ હતું. એક્શન-થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને લીડ રોલ ઓફર થયો હતો. ફિલ્મની સ્ક્રિપ્ટ અને રોલ સમજ્યા પછી શ્રદ્ધા પણ ખૂબ ખુશ થઈ ગઈ હતી.
પ્રોજેક્ટને આગળ વધારવા એકતા અને શ્રદ્ધા સંમત થયા હતા. જો કે એકતાની અપેક્ષા કરતાં ઘણી વધારે ફી વસૂલવાનો પ્રયાસ શ્રદ્ધાને ભારે પડ્યો છે. શ્રદ્ધાની માગણીને તાબે થવાના બદલે એકતાએ અન્ય વિકલ્પ શોધવા કવાયત હાથ ધરી હોવાનું કહેવાય છે. શ્રદ્ધા કપૂરે ‘સ્ત્રી ૨’ની સફળતા બાદ પોતાની ફી વધારી દીધી હતી. એકતા કપૂરે ફિલ્મ ઓફર કરી ત્યારે પણ શ્રદ્ધાએ નવી ફીનો આગ્રહ રાખ્યો હતો.
ફિલ્મી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, શ્રદ્ધાએ એકતા પાસે રૂ.૧૭ કરોડથી વધુ ફી માગી હતી અને પ્રોફિટ શેરિંગનો આગ્રહ પણ રાખ્યો હતો. શ્રદ્ધાની આ વાત સાંભળ્યા પછી એકતા કપૂરને ઝાટકો લાગ્યો હતો. એકતા કપૂરે પોતાના પ્રોજેક્ટને હોલ્ડ પર મૂકવાનું વિચાર્યુ હતું. શ્રદ્ધાએ માગેલી ફી એકતાને અસહ્ય લાગી હતી.
એકતાને લાગ્યુ હતું કે, શ્રદ્ધાને જંગી ફી આપવા જતા ફિલ્મનું બજેટ ખોરવાઈ જશે. એકતા કપૂરે ‘તુમ્બાડ’ના ડાયરેક્ટર રાહી અનિલ બર્વે સાથે થ્રિલર ફિલ્મ બનાવવાનું વિચાર્યુ હતું. આ ફિલ્મની સ્ટોરી નારી પ્રધાન છે.
તેથી ફિલ્મની લીડ એક્ટ્રેસને પુષ્કળ સ્પેસ મળવાનું નક્કી છે. શ્રદ્ધા કપૂરે રોમાન્સ, કોમેડી થ્રિલર અને એક્શન સહિત વિવિધ જોનરમાં સંખ્યાબંધ ફિલ્મો કરેલી છે. એકતાને પણ શ્રદ્ધા કપૂરની સ્ટાર વેલ્યુ પર ભરોસો હતો.
જો કે નારી પ્રધાન ફિલ્મોમાં પ્રોફિટ ખાસ મળતો નથી અને તેથી તેનું બજેટ પણ મર્યાદિત રાખવું પડે છે. શ્રદ્ધાએ માગેલી ફી અપાય તો એકતાના કમર્શિયલ સમીકરણો ખોરવાઈ જવાની ભીતિ હતી. જેથી તેણે શ્રદ્ધાના બદલે અન્ય એક્ટ્રેસની પસંદગી કરવા પ્રયાસ શરૂ કર્યા છે.SS1MS