એકતાનગરનો કોમ્યુનિટી રેડિયો મહિલાઓ અને સમુદાયોને જ્ઞાન થકી સશક્ત કરી રહ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/SoU-Radio-1024x760.jpg)
13 ફેબ્રુઆરી, વિશ્વ રેડિયો દિવસ –સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત રેડિયો યુનિટી 90FM ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિઓ અને પર્યાવરણીય જાગૃતિને આપી રહ્યું છે પ્રોત્સાહન
આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ જ્યારે “રેડિયો અને ક્લાયમેટ ચેન્જ” ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો યુનિટી 90FM એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે કોમ્યુનિટી રેડિયો પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને તે સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી શકે છે.
ગુજરાતના એકતાનગર, કે જ્યાં વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઑફ યુનિટી આવેલું છે, ત્યાંથી પ્રસારિત થતું આ રેડિયો સ્ટેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના યુનિટી (એકતા), સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના વિઝનને સાકાર કરી રહ્યું છે.
રેડિયો યુનિટી 90FM: ક્લાઇમેટ ચેન્જ માટે કાર્યવાહી કરતો એક અવાજ
આ કોમ્યુનિટી રેડિયો પર ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણીય સંરક્ષણ માટેના પ્રયાસો અને ટકાઉ પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોમ્યુનિટી રેડિયોની નજીકમાં જ નર્મદા નદી વહે છે, તેમજ સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક પણ તેની પાસે જ સ્થિત છે, જેના થકી આ સ્ટેશન શ્રોતાઓને કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા અંગે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સ્ટેશન પરથી પ્રસારિત થતા કાર્યક્રમોનું શેડ્યુલ વૈવિધ્યસભર છે, જે શ્રોતાઓની વિવિધ પ્રકારના રસ-રૂચિને આવરી લે છે:
· સવારે 8.00 કલાકે: શ્રી ભગવદ્ ગીતાના સંસ્કૃત શ્લોકો અને તેના અનુવાદ સાથે પર્યાવરણીય જાગૃતિ અંગેના સંદેશાઓ.
· સવારે 9.00 કલાકે: આરજે હેતલ સાથે ‘ગુડ મોર્નિંગ એકતાનગર’ કાર્યક્રમ, જેમાં ગુજરાતને હરિયાળું બનાવવા માટેની પહેલો અને ક્લાઇમેટ સંબંધિત પડકારો અંગે ચર્ચા કરવામાં આવે છે, તેમજ તે અંગેની સાફલ્યગાથાઓ પણ રજૂ કરવામાં આવે છે.
· બપોરે 12.00 થી 4.00 કલાક દરમિયાન: આરજે નીલમ સ્થાનિક સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપે છે, પર્યાવરણવિદોનો ઇન્ટરવ્યૂ કરે છે અને સ્થાનિક સમુદાયોને ક્લાઇમેટ સંબંધિત કાર્યવાહીઓમાં જોડે છે.
· સાંજે 4.00 થી 7.00 કલાક દરમિયાન: આરજે રૂતેશ સાથે ‘ચાર સે સાત, રૂતેશ કે સાથ’ કાર્યક્રમ, જેમાં વૈશ્વિક ક્લાઇમેટ પોલિસીઓ અને ક્લાઇમેટ ચેન્જ સામેની લડતમાં ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવે છે, તેમજ પ્રવાસીઓ અને નિષ્ણાંતો સાથે ઇન્ટરેક્ટિવ સત્રો પણ યોજવામાં આવે છે.
· સાંજે 7.00 કલાક પછી: આ સમય દરમિયાન રેડિયો સ્ટેશન દ્વારા વડાપ્રધાનશ્રીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ નું વિશેષ સંસ્કરણ પ્રસારિત કરવામાં આવે છે, જેમાં પર્યાવરણના સંરક્ષણ અને ટકાઉ ભવિષ્ય માટે ભારતની પ્રતિબદ્ધતા અંગેના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં આપેલા સંદેશાઓને રજૂ કરવામાં આવે છે.
· રેડિયો યુનિટી સ્ટેશનના એક વિશિષ્ટ સેગમેન્ટમાં શ્રી રાજમોહન ગાંધી દ્વારા લખવામાં આવેલ ‘સરદાર પટેલ એક સમર્પિત જીવન’ માંથી વિશેષ પ્રસંગોનું વાંચન કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન સતત લોકોને પ્રેરણા આપતું રહે. સાંજના પ્રસારણમાં પ્રોજેક્શન મેપિંગ શૉ માટે ઓડિયો અને નર્મદા મહા આરતીનો સમાવેશ થાય છે, જે પ્રોગ્રામિંગમાં આધ્યાત્મિકતા ઉમેરે છે.
· મહિનાના દર છેલ્લા રવિવારે, રેડિયો યુનિટી 90FM સવારે 11.00 કલાકે વડાપ્રધાનશ્રીના “મન કી બાત” કાર્યક્રમનું પ્રસારણ કરે છે, જે શ્રોતાઓને રાષ્ટ્રના નેતૃત્વ અને દ્રષ્ટિકોણ સાથે સાંકળે છે.
અસરકારકતા અને નવીનીકરણનો વારસો
એકતાનગરમાં પ્રસારિત થતું રેડિયો યુનિટી ત્યાંના સ્થાનિક લોકોમાં એક મજબૂત સંદેશો આપે છે- હરિયાળા અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક અખંડ ભારત. ઉલ્લેખનીય છે કે, રેડિયો યુનિટી 90FM નું ઉદ્ઘાટન 15 ઓગસ્ટ, 2021ના રોજ કરવામાં આવ્યું હતું, અને તેને BECIL (બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટે) દ્વારા તૈયાર કરીને સ્થાપિત કરવામાં આવ્યું હતું.
આ સ્ટેશન સ્થાનિક સમુદાયો અને એકતાનગર ખાતે આવતા મુલાકાતીઓ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે, અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના અંતર્ગત લોકોમાં હેરિટેજ, પ્રવાસન અને રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ ફેલાવે છે. “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે) ના મૂલ્યોથી પ્રેરિત, આ સ્ટેશન રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને શ્રોતાઓને સરકારી યોજનાઓ, સ્થાનિક વિકાસ અને વારસા વિશેનું મૂલ્યવાન જ્ઞાન પ્રદાન કરે છે.
રેડિયો યુનિટી સ્ટેશન 20-25 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં પહોંચ ધરાવે છે, તેમજ તેમની પાસે સમર્પિત રેડિયો જોકીઓની એક ટીમ પણ છે, જેની મદદથી આ સ્ટેશન સ્થાનિક લોકોના અવાજને, ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રેડિયો સ્ટેશનમાં કામ કરતી આરજે હેતલ અને આરજે નીલમ, જેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ગાઇડની ભૂમિકામાંથી આજે રેડિયો પ્રેઝન્ટર બન્યા છે, તેઓ સ્થાનિક સમુદાયોને જોડવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે જાણીતા બન્યા છે.
ટકાઉ ભવિષ્યમાં રેડિયોની ભૂમિકા
આજે સમગ્ર વિશ્વ જ્યારે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે રેડિયો યુનિટી 90FM જેવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો પાયાના સ્તરે પરિવર્તન લાવવામાં મોખરાનું કામ કરી રહ્યા છે. માહિતી અને મનોરંજનને કાર્યક્ષમ ઇનસાઇટ્સ સાથે જોડીને આ રેડિયો સ્ટેશન ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને જ નથી જાળવી રહ્યું, પરંતુ તે પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કે ક્લાઇમેટ ચેન્જ માટેની જવાબદારીનો સંદેશ દરેક શ્રોતા સુધી પહોંચે.
ઉલ્લેખનીય છે કે, પર્યાવરણીય જાગૃતિ ઉપરાંત આ સ્ટેશન મહિલા સશક્તિકણના કાર્યક્રમો અને સાફલ્યગાથાઓ થકી સ્થાનિક મહિલાઓને પ્રેરણા આપી રહ્યું છે, અને તેમને તેમના સપનાંઓ સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. નાના વિક્રેતાઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો રેડિયો સ્ટેશન પર ચલાવવામાં આવતા પ્રેરક કોન્ટેન્ટ અને વ્યવહારૂ માર્ગદર્શનમાંથી આત્મવિશ્વાસ મેળવે છે.
વિશ્વ રેડિયો દિવસ પર, રેડિયો યુનિટી 90FM એક ટકાઉ ભવિષ્ય માટે સમુદાયોને શિક્ષિત કરવા, તેમને જોડવા અને સશક્ત બનાવવા માટે રેડિયોની શક્તિનો ઉપયોગ કરવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જયપુર ખાતે કોમ્યુનિટી રેડિયોની એક કોન્ફરન્સ આયોજિત થઈ હતી, જેમાં ભારતના ચાર રાજ્યોના કોમ્યુનિટી રેડિયોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) કોમ્યુનિટી રેડિયોને તેના અનોખા અભિગમ માટે વિશિષ્ટ માન્યતા મળી હતી, જ્યાં RCS (રેડિયો કમ્પ્યુટિંગ સર્વિસીસ) ના ઉપયોગ થકી સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, જે ભારતમાં કાર્યરત અન્ય કોમ્યુનિટી રેડિયોની સરખામણીમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.