દીકરી-જમાઈ, બે દીકરામાંથી કોઈકે ઘરમાંથી 22 લાખની ચોરી કરી હોવાની વૃદ્ધ દંપતીને શંકા
નિકોલમાં રૂ. ૨૨ લાખના દાગીનાની ચોરીઃ ઘરના સભ્યએ જ ચોરી કર્યાની વૃદ્ધ દંપતીને શંકા
ભગવાનભાઈ તેમજ કપિલાબહેને તેમના પરિવારને પ્રેમથી દાગીના આપી દેવા માટેનું કહ્યું હતું, પરંતુ કોઈએ દાગીના નહીં આપતાં અંતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.
(એજન્સી)અમદાવાદ, નિકોલ વિસ્તારમાં રહેતાં એક વૃદ્ધ દંપતી તેમના સંતાનોને ચોરની નજરે જોઈ રહ્યાં છે, જેની પાછળનું કારણ છે, તિજોરીમાંથી ચોરાયેલા ૨૨ લાખ રૂપિયાના સોનાના દાગીના અને ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના, ઘરના કોઈ સભ્યએ વદ્ધા પાસે રહેલી તિજોરીની ચાવી ચોરી લીધા બાદ બે તિજોરીમાંથી ૩૫ તોલા સોનાના દાગીના અને ચાંદીના દાગીના કાઢી લીધા હતા.
વૃદ્ધ દંપતીની નજરમાં તેમના પરિવારનો જ કોઈ સભ્ય ચોર છે. દંપતીની શંકાને દૂર કરવા માટે અંતે તેમણે પોલીસની મદદ લીધી છે, જેમાં પોલીસે પણ ગુનો નોંધી ચોર કોણ તે શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છએ.
નિકોલ વિસ્તારમાં આવેલા રણુજાનગરમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાના કંસારા ગામમાં રહેતા ભગવાનભાઈ લેઉવાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ઘરના સભ્યો વિરુદ્ધ લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે. ભગવાનભાઈ લેઉવા રિક્ષા ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તેમના પત્ની કપિલાબહેન ઘરકામ કરે છે.
ભગવાનભાઈની દીકરી મનીષાનાં લગ્ન શાહીબાગમાં આવેલી પારસીની ચાલીમાં રહેતા પ્રવીણ મહેરિયા સાથે થયાં છે. મનીષા અને પ્રવીણને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. મનીષાની દીકરી દિશા હાલ મુંબઈમાં રહે છે, જ્યારે બીજી દીકરી સુજલ કોલેજમાં અભ્યાસ કરે છે.ત્યારે દીકરો હર્ષ દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. મનીષા આંગણવાડીમાં નોકરી કરે છે, જ્યાં પ્રવીણ હોમગાર્ડમાં નોકરી કરે છે.
ભગવાનભાઈનો બીજો પુત્ર બિપિન છે,જેનાં લગ્ન ૧૩ વર્ષ પહેલાં ગિરધરનગર ખાતે રહેતી રાજેશ્વરી ઉર્ફે પિન્કી સાથે થયાં હતાં. બિપિન ઓઢવ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. બિપિન બાદ ભગવાનભાઈને એક બીજો દીકરો પણ છે, જેનું નામ જિજ્ઞેશ છે. જિજ્ઞેશનાં પ્રથણ લગ્ન મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ગૌરી સાથે થયાં હતાં, પરંતુ તેની સાથે મનમેળ નહીં આવતાં છૂટાછેડા લઈ લીધા હતા. જિજ્ઞેશ ત્રણ વર્ષ પહેલાં લતાબહેન સાથે લગ્ન કર્યાં હતાં.
ભગવાનભાઈને ત્રણ માળનું મકાન છે, જેમાં પ્રથમ માળે તમામ લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ બિપિનની પત્ની અને જિજ્ઞેશની પત્ની વચ્ચે મનમેળ નહીં આવતાં તેઓ અલગ થઈ ગયા હતા. આઠ મહિના પહેલાં બિપિન તેની પત્ની અને બાળક સાથે મકાનના ત્રીજા માળે રહેવા માટે જતો રહ્યો હતો. જિજ્ઞેશ અને તેની પત્ની લતા હાલ ભગવાનભાઈ અને કપિલાબહેન સાથે રહે છે અને સૂવા માટે બીજા માળે જાય છે.
ઘરનો વહીવટ ભગવાનભઆઈ તેમજ કપિલાબહેનના હાથમાં રહેતો હતો. બિપિનની પત્ની રાજેશ્વરીએ લગ્ન વખથે લાવેલા દાગીના કપિલાબહેન પાસે હતા. તમામ દાગીના રાજેશ્વરી તેમજ કપિલાબહેનની તિજોરીમાં મૂક્યા હતા. બંનેની તિજોરી સાથે સાથે મૂકી હતી, જેની ચાવી કપિલાબહેન પાસે રહેતી હતી. જ્યારે જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે કપિલાબહેન દાગીના તિજોરીમાંથી બહાર કાઢતાં હતાં અને ધનતેરસના દિવસે પૂજા કરવાવ માટે બહાર કાઢતાં હતાં.
થોડા દિવસ પહેલાં જ્યારે કપિલાબહેને તિજોરી ખોલી તો તેમાંથી ૩૫ તોલા સોનાના દાગીના તેમજ ૬૦૦ ગ્રામ જેટલાચાંદીના દાગીના ગાયબ હતા. તિજોરી કોઈ એ તોડી હતી નહીં, જેથી કપિલાબહેન અને ભગવાનભાઈને શંકા ગઈ હતી કે ઘરના કોઈ સભ્યોએ તિજોરીમાંથી ચોરી કરી છે.
ભગવાનભાઈ તેમજ કપિલાબહેને તેમના પરિવારને પ્રેમથી દાગીના આપી દેવા માટેનું કહ્યું હતું, પરંતુ કોઈએ દાગીના નહીં આપતાં અંતે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. કપિલાબહેનને ઘરના સભ્યો એટલે કે મનીષા, પ્રવીણ, બિપિન, રાજેશ્વરી, જિજ્ઞેશ અને લતા ઉપર સંકા હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરી છે.