ગીરનારની ખીણમાં વૃદ્ધ પડ્યાઃ કલાકોના રેસ્ક્યુ બાદ બચાવી લેવાયા

પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અલગ-અલગ એજન્સીઓની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી
નવી દિલ્હી, મધ્યપ્રદેશથી ગિરનારના જૈન દેરાસરે દર્શન કરવા આવેલા એક વૃદ્ધ પરિવારથી વિખુટી પડી ગયેલા બાદ ખીણમાં પડ્યા હતા. જાે કે, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, SDRF અને હોમગાર્ડના જવાનોએ કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ તેમને સહી સલામત બચાવી લીધા છે.
ચારે તરફ ઘોર અંધકાર, વીજળીના કડાકાં ભડાકા સાથે ધોધમાર વરસાદ, પવનના સૂસવાટા, જીવજંતુઓના ભયાનક અવાજાે વચ્ચે સિંહ, દીપડા અને સાપોનો ભય… મધ્યપ્રદેશના ૬૦ વર્ષીય મદનમોહન જૈને ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેઓ ગિરનાર પર્વતની યાત્રા દરમિયાન આવા ભયંકર સ્થળે ફસાઈ જશે.
બનાવની જાણ થતાં રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), વન વિભાગની ટીમ અને પોલીસ સહિત ૩૩ લોકોની ટીમ દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન બુધવારે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થયું હતું અને શુક્રવાર સુધી ચાલ્યું હતું અને કલાકોની શોધ બાદ જૈનને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ભિંડ જિલ્લાના રહેવાસી મદનમોહન જૈન ૨૫ લોકોના ગ્રુપ સાથે ૫ જુલાઈના રોજ જૈન મંદિરોમાં દર્શન કરવા આવ્યા હતા. આ ગ્રુપ રોપ-વે દ્વારા ૪,૦૦૦ પગથિયાં પર આવેલા મંદિરોમાં પહોંચ્યું હતું અને નીચે ઉતરી રહ્યું હતું.
નીચે ઉતરતી વખતે, જૈન કોઈક રીતે ગ્રુપથી વિખુટા પડી ગયા અને ૨,૦૦૦ પગથિયાની ઊંચાઈએ હતા ત્યારે જ તેમની સાથે અકસ્માત થયો અને તેઓ ૩૦૦ મીટર ઊંડી ખીણમાં પડી ગયા. જૈન ક્યાંય ન દેખાતા પરિવારજનોને લાગ્યું કે તેઓ કદાચ ઉંમરને કારણે ધીરે ધીરે નીચે આવી રહ્યા છે.
પરંતુ લાંબા સમય સુધી તેઓ ક્યાંય જાેવા ન મળતા તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જૂનાગઢના કલેક્ટર એ.આર. રાણાવાસિયાએ જણાવ્યું હતું કે મદનમોહન ઘાટી નીચે ઝાડીઓમાં પડ્યા હતા. સાવ અંધારું હતું, વરસાદ પડી રહ્યો હતો અને જંગલી પ્રાણીઓનો ભય હતો. આ અવરોધો હોવા છતાં ટીમે રાત્રે ૯ વાગ્યાથી તેમનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ટીમમાં સામેલ જૂનાગઢના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલિયાએ જણાવ્યું કે, ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું પરંતુ અમે જૈનને શોધી શક્યા નહીં. અમે કલેક્ટરને જાણ કરી હતી જેમણે અન્ય એજન્સીઓને તપાસમાં જાેડાવા કહ્યું હતું.
ભાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે જૈને જંગલમાં અનેક રસ્તાઓનો ઉપયોગ કરીને પોતાની જાતે બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતત વરસાદને કારણે તેમના પગ કાદવમાં ફસાઈ ગયા હતા. અમારી ટીમ તેમનું નામ મોટેથી બોલાવીને તેમને શોધી રહી હતી.
શુક્રવારે સવારે ૩ વાગ્યે જૈને અમને સાંભળ્યા અને રિસ્પોન્સ આપતા અમે ધોધમાર વરસાદ વચ્ચે લગભગ ૩૦૦ મીટર નીચે ગયા. ભાલિયાએ જણાવ્યું કે, વરસાદે જૈનની તરસ તો છીપાવી પરંતુ તેઓ ભૂખ્યા હતા. જૈનને યાદ નથી કે તેઓ કેવી રીતે નીચે પડી ગયા. પરંતુ એવી આશંકા છે કે, કુદરતી હાજત માટે રોકાયા હશે અને આકસ્મિક રીતે ઘાટીમાં ડૂબી ગયા હશે.
ભીના હવામાન અને જંગલી પ્રાણીઓના ડરને કારણે ટીમે દિવસના અજવાળામાં જંગલની અંદર રહેવાનું નક્કી કર્યું. શુક્રવારે સવારે ૯ વાગ્યે જૈનને ટેકરી પરથી નીચે લાવવામાં આવ્યા હતા. ખીણમાં પડ્યા હોવાથી જૈનને શરીર પર કેટલાક સ્ક્રેચ પડ્યા હતા પરંતુ કોઈ મોટી ઈજા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, યાત્રિકો સામાન્ય રીતે ગિરનાર પર્વત સુધી પહોંચવા માટે રોપવેનો ઉપયોગ કરે છે, જેની ઉપર સદીઓ જૂના જૈન મંદિરોનો સમૂહ છે. અહીં ૧૦,૦૦૦ પગથિયાં છે અને મંદિરો ૪,૦૦૦ પગથિયાંની ઊંચાઈ પર સ્થિત છે. આ સ્થળ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું ઘર છે,
જે એશિયાટિક સિંહોનું છેલ્લું નિવાસસ્થાન છે જે વારંવાર પગથિયાં પર બેસેલા અથવા આસપાસ ફરતા જાેવા મળે છે. લેટેસ્ટ અપડેટ અનુસાર તાજેતરમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે કોઈ યાત્રાળુ પહાડી પરથી નીચે પડી ગયો હોય અને આવું ભયંકર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય.