અંધેરીમાં વૃદ્ધને હાર્ટએટેક બાદ સમયસર એમ્બ્યુલન્સ ન મળતાં મૃત્યુ

મુંબઈ, અંધેરીના એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યા બાદ સમયસર એમ્બ્યુલન્સ નહિ મળતાં તેમનું મૃત્યુ થયું હતું. ૧૦૮ સેવા પર કોલ લાગ્યો જ ન હતો જ્યારે ખાનગી એમ્બ્યુલન્સ બહુ મોડી આવી હતી.
૭૩ વર્ષીય વૃદ્ધનું નિવાસસ્થાન પાસેની એક ખાનગી હોસ્પિટલથી ફક્ત પાંચ મિનિટના અંતરે હતું અને મહાનગરપાલિકા સંચાલિત ડો. કૂપર હોસ્પિટલથી ૨૦ મિનિટના અંતરે હતું, પણ દર્દીને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ થયો હતો.દર્દી સ્ટીવન ફર્નાન્ડીઝની પુત્રવધુએ કહ્યું કે ‘સવારે ૨.૦૦ કલાકે મારા પતિ અને મેં એમ્બ્યુલન્સ શોધવા ઘણાં પ્રયાસો કર્યા હતા.
૧૦૮ પર ડાયલ કરવામાં આવ્યું હતું, પણ કોલ લાગ્યો નહોતો. તે પછી એમ્બ્યુલન્સ સેવાઓની ઇન્ટરનેટ પર શોધ કરવામાં આવી હતી. જ્યારે અંધેરી ઇસ્ટના એક ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકનો સંપર્ક થયો હતો.ખાનગી એમ્બ્યુલન્સ ૪૦ મિનિટ પછી આવી હતી. એમ્બ્યુલન્સમાં જરૃરી તબીબી સાધનો નહોતા.
એમ્બ્યુલન્સનો ફક્ત ડ્રાઇવર અને એક હેલ્પર આવ્યા હતા. પેરામેડિકલ કર્મચારી, ડોક્ટર, સ્ટ્રેચર વગેરે એમ્બ્યુલન્સમાં નહોતું. ફક્ત રબરમેટ હતી જેના પર દર્દીને સુવાડી શકાય છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપ્લાય અથવા ઓક્સિજન માસ્ક પણ નહોતા. દર્દી બેહોશ હતા અને તેમનું વજન ૧૦૦ કિલોગ્રામ હતું. સ્ટ્રેચર વગર તેમને ખસેડી શકાય તેમ નહોતું.
ખાનગી એમ્બ્યુલન્સને પાછી મોકલી દેવામાં આવી હતી.તે પરિવારજનોએ ફરીવાર ૧૦૮ પર કોલ કર્યાે હતો. તેમના કોલને કૂપર હોસ્પિટલમાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જોકે એમ્બ્યુલન્સ અડધા કલાક પછી આવી હતી.
તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધીમાં તેમની નાડીમાં ધબકાર બંધ થઈ ગયો હતો. હાર્ટએટેક પછીના એક કલાકમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેને સારા થઈ શકે છે. આ એક કલાકને ‘ગોલ્ડન અવર’ તરીકે ઓળખવામાં આવે છે. રાતે ટ્રાફિક નહીં હોવા છતાં એમ્બ્યુલન્સ મોડી પહોંચી અને દર્દીને ‘ગોલ્ડ અવર’ હોસ્પિટલ પહોંચાડી ન શકાયો તે ઘટના ખૂબ જ દુખદ છે.
એમ્બ્યુલન્સ પહોંચી કે તરત જ રૃ. ૫૫૦૦ મોકલવાની માગણી થઈ હતી. પરિવારજનોએ વિરોધ કર્યાે હતો તે પછી ચાર્જ ઘટાડીને રૃ. ૨૫૦૦ કરવામાં આવ્યો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ જો સમયસર કોલ લાગતે તો દર્દીનો જીવ બચી શકતો હતો.આવું ભૂતકાળમાં પણ બન્યું હતું.
ગયા વર્ષ જુલાઈ મહિનામાં અંધેરી (ઇસ્ટ)ના મરોલ વિસ્તારના રહેવાસીને શ્વાસની તકલીફ બાદ નજીકની હોસ્પિટલેથી બોલાવેયેલી એમ્બ્યુલન્સમાં હૃદયરોગ સંબંધી સાધનો નહોતા. રસ્તામાં ખાડાઓ હતા અને તેને પગલે ટ્રાફિક જામ થયો હતો.
જે હોસ્પિટલ પાંચ મિનિટના અંતરે આવેલી છે ત્યાં પહોંચતા એમ્બ્યુલન્સને લગભગ ૪૦ મિનિટ થઈ હતી. તેમનું મૃત્યુ એમ્બ્યુલન્સમાં જ થઈ ગયું હતું તેવું કહેવામાં આવે છે.
નવેમ્બર ૨૦૨૪માં જાહેરા કરાયું હતું કે મહારાષ્ટ્રમાં માર્ચ ૨૦૨૫થી એમ્બ્યુલન્સ સર્વિસ મોબાઇલ એપ પર ઉપલબ્ધ થશે. આ એપમાં એમ્બ્યુલન્સ ક્યાં છે તેનું લોકેશન તથા પહોંચવામાં કેટલો સમય લાગશે તે જાણી શકાશે. પરંતુ, વાસ્તવમાં આવી સેવા મળતી નથી.SS1MS