સાબરકાંઠા બેન્કના ચેરમેન સહિત 11 ડિરેકટરની ચૂંટણી ઉમેદવારી રદ
અમદાવાદ, સહકારી બેન્કમાં ૮ વર્ષથી વધુ બેન્કમાં ડિરેકટર પદે રહી શકાય નહી એ કાયદા હેઠળ વાંધો ઉઠાવતા સાબરકાંઠા સહકારી ચેરમેન મહેશ પટેલ સહિત ૧૧ ડિરેકટરના ઉમેદવારીપત્રોને રદ કરી દેવામાં આવ્યા છે. આમ હવે સાબરકાંઠા બેન્કમાં નવા ચહેરાઓ સત્તામાં જાેવા મળશે.
યુવા ઉમેદવાર રવિ પટેલે વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારી સામે તમામ વર્તમાન ડિરેકટરો કે જેમને ૮ કે તેથી વધુ વર્ષ બેન્કમાં પદ પર રહ્યાના પૂર્ણ થયા છે, તેમને દૂર કરવા માટે રજૂઆત કરી હતી.
સાબરકાંઠા બેન્કમાં પ્રથમવાર જ ઉમેદવારી કરી રહેલા રપ વર્ષના યુવાને વર્ષોથી સહકારી રાજકારણમાં સિક્કા પાડતા નેતાઓ સામે વાંધો લઈને ઉમેદવારીમાંથી ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરી હતી.
લેખિત રજૂઆત કરીને રવિ પટેલે તમામ ડિરેકટરો કે જેમને ૮ વર્ષ કે તેથી વધુ સમય બેન્કમાં ડિરેકટર તરીકે વીતી ચૂકયા છે, તેમની ઉમેદવારી યોગ્ય ના હોવાનું પડકાર્યું હતું. પોતાની રજૂઆતમાં તેણે કહ્યું હતું કે, કાયદા મુજબ તેઓ ઉમેદવારી કરવા માટે સક્ષમ નથી તેથી તેમના ઉમેદવારીપત્રને રદ કરવા જાેઈએ. તેમની દલીલો સાંભળીને ચૂંટણી અધિકારીએ ૧૧ ડિરેકટરના ચૂંટણી ફોર્મ રદ કર્યા હતા.