અપુરતા-અયોગ્ય સરનામાને કારણે પરત આવતા મતદાર ઓળખ પત્રનો પ્રશ્ન હળવો થશે
હવે ફોટા સાથેના મતદાર ઓળખ પત્રની ડિલીવરી સમયે સરનામામાં મતદારનો મોબાઇલ નંબર પણ દર્શાવવામાં આવશે
વડોદરા, મતદાર તરીકે નોંધણી કરાવનાર મતદારોને અગાઉ ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટા સાથેના મતદાર ઓળખ પત્ર- EPIC (Electoral Photo Identity Card) રૂબરૂ આપવામાં આવતા હતા.
આ પ્રક્રિયામાં ઘણીવાર અપૂરતી વિગતો અને સરનામાની ભૂલોને કારણે EPIC વિતરીત કરવાના પ્રશ્નો સર્જાતા હતા.આ સમસ્યા ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાં નોંધાયેલા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખ પત્ર- EPIC (Electoral Photo Identity Card) ઘેરબેઠાં મળી રહે તેવી સુવિધા પૂરી પાડવા માટે સ્પીડ પોસ્ટથી EPIC મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ રીતે ઘેરબેઠાં EPIC પહોંચાડવામાં પણ ઘણી વાર દર્શાવવામાં આવેલ સરનામે સબંધીત મતદાર મળી ન આવતા મતદાર ઓળખ પત્ર પોસ્ટ વિભાગ દ્વારા પરત મોકલવામાં આવે છે. આવા કિસ્સામાં એવું બનતું હોય છે કે મતદારના સરનામામાં ભૂલ હોય, અધુરું સરનામું દર્શાવ્યું હોય ત્યારે દર્શાવેલ સરનામે EPICની ડિલીવરી ન થઇ શકવાથી આવા ઓળખ પત્ર પરત આવે છે.
આવા કિસ્સા અટકાવવા માટે તથા EPIC ની હોમ ડિલિવરીની પ્રક્રિયા સરળતાથી થાય તેમજ મતદારોને ખાત્રી પૂર્વક EPIC મળે તે સુનિશ્ચત કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તે મુજબ હવે મતદાર નોંધણી ફોર્મના એકત્રિત ડેટામાંથી જો શક્ય હશે તો EPIC મૂકવામાં આવ્યું હોય તે પરબિડિયા ઉપર દર્શાવેલ જે તે મતદારના સરનામાની છેલ્લી લાઇન બાદ મતદારનો મોબાઇલ નંબર પણ દર્શાવવામાં આવશે. જેથી EPICની ડિલીવરી સમયે દર્શાવેલ સરનામે મતદાર હાજર ન મળે તો પોસ્ટમેન દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર મતદારને જાણ કરીને EPICની એસ્યોર્ડ ડિલીવરી કરી શકે છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આ અંગે તમામ રાજ્યો/કે.શા.પ્ર.ના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી છે. ચૂંટણી પંચના આ નિર્ણયને કારણે હવે પોસ્ટ વિભાગને જે તે મતદાર નોંધણી અધિકારી દ્વારા પરબિડિયા ઉપર ચોંટાડવા માટે મતદારોના નામ સરનામા પૂરા પાડવામાં આવે છે તેમાં હવે સુધારો કરીને મતદારોના મોબાઇલ નંબર સાથેના નામ સરનામા પૂરા પાડવામાં આવશે.
મોબાઇલ નંબરથી મતદાર સાથે સંપર્ક કરીને EPICની ડિલીવરી સરળતાથી કરી શકાશે.જેને કારણે અપુરતા કે અયોગ્ય સરનામાને કારણે પરત આવતા EPICનો પ્રશ્ન હળવો થશે.મતદાર પણ EPIC મળવાથી પોતાના મતાધિકારનો સમયસર ઉપયોગ કરી શકશે.