દિવ્યાંગો માટે ખાસ મતદાર નોંધણી હાથ ધરવામાં આવી
હેલન કેલર દિવસની ઉજવણી: ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન હેઠળ પ્રક્રિયા
કુદરતી કે અકસ્માતથી શારીરિક દિવ્યાંગ બનેલા લોકો માટે હેલન કેલર એક પ્રેરણા છે.વ્યક્તિ દિવ્યાંગ માત્ર શારીરિક રીતે જ બને છે.પરંતુ, જો તેઓ તેને માનસિક રીતે સ્વીકારી લે તો તે ખરેખર નિરાશાની દિશામાં ધકેલાઇ જાય છે. દુનિયામાં ઘણાં એવા પણ દ્રષ્ટાંતો છે કે જેમણે દિવ્યાગંતા ધારણ કર્યા પછી પણ એવી ઉત્કૃષ્ટ સિધ્ધિઓ મેળવી
જે જોઇને દુનિયા પણ દંગ રહી ગઇ હતી.આવું જ એક નામ છે હેલન કેલર.માત્ર ૧૯ માસની વયે જ એક ગંભીર બીમારીમાં દ્રષ્ટી અને શ્રવણ શક્તિ ગુમાવનાર હેલન કેલરે પોતાની દિવ્યાંગતાને જ સ્વંયની ઢાલ બનાવી આજીવન દિવ્યાંગોના હક્કો અને તેઓના ઉત્કર્ષ માટે લડત આપી હતી.
દિવ્યાંગો માટે તેમણે નવો રાહ ચિંધ્યો હતો. તેમના જન્મ દિન ૨૭મી જૂનને દર વર્ષે હેલન કેલર દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે.
રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા પણ આજરોજ જિલ્લા કક્ષાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે Sveepકાર્યક્રમ હેઠળ ર્જિલ્લામાં દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થાઓ ખાતે ખાસ મતદાર નોંધણી વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કક્ષાએ નવા દિવ્યાંગ મતદારોની ઓળખ કરી
તેમજ મતદાર યાદીમાં સુધારા-વધારા કરાવવા ઇચ્છુક દિવ્યાંગોનો સંપર્ક કરીને તેઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ઘેરબેઠાં મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા કે સુધારા –વધારા કરવાવા માંગતા હોય તો દિવ્યાંગો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલીPwDએપ વિશે પણ સમજ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગોને મતદાન મથક ઉપર રેમ્પ, મદદનીશ સહાય, લાઇનમાંથી મુક્તિ, પોસ્ટલ બેલેટથી મતદાન, વાહન જેવી ખાસ સુવિધાઓ તેઓની માંગણી અન્વયે પૂરી પાડવાામાં આવે છે. આ માટે દિવ્યાંગોએ મદદનીશ ચૂંટણી અધિકારીને અગાઉથી જાણ કરવાની રહે છે. દિવ્યાંગો PwDએપ ઉપર પણ આ અંગે જાણ કરી મતદાનના દિવસ્ સુવિધી મેળવી શકે છે.
હાલમાં રાજ્યમાં ૪ લાખથી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.સૌથી વધુ વડોદરા જિલ્લામાં ૨૫ હજારથી વધુ દિવ્યાંગ મતદારો તથા સૌથી ઓછા ડાંગ જિલ્લામાં ૧૧૧૪ જેટલા મતદારો નોંધાયેલા છે. તેમાં વધુ નવા મતદારોની નોધણી પ્રક્રિયા પ્રગતિમાં છે.
તે માટે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કાર્યરત સેવાભાવી સંસ્થાઓનો તથા રાજ્યના આરોગ્ય અને સમાજ કલ્યાણ વિભાગનો સહયોગ મેળવવામાં આવી રહ્યો છે.દિવ્યાંગો મતદાર નોંધણી માટે જાગૃત થાય તે માટે પેરા ઓલમ્પિક મેડલ વિજેતા શ્રીમતિ ભાવીના પટેલની સ્ટેટ આઇકોન તરીકે નિમણૂક કરવામાં આવેલી છે.