ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોદીના નામથી મેસેજ ન મોકલવા ચૂંટણીપંચનો આદેશ
PM મોદીના નામથી લોકોને મેસેજ ન મોકલોઃ ચૂંટણીપંચનો કેન્દ્રને આદેશ
(એજન્સી)નવી દિલ્હી, મોબાઈલ યુઝર્સોને ‘વિકસીત ભારત સંપર્ક’નો મેસેજ મોકલવા મામલે ચૂંટણી પંચે આજે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે અને તુરંત આવા મેસેજે મોકલવાનું બંધ કરવા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ આપ્યો છે. આ મામલે ઘણી ફરિયાદો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અગાઉ વિપક્ષ નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો.
દેશના ઘણા વાટ્સઅપ યુઝર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે પ્રતિક્રિયા અને સૂચનો માંગતો ‘વિકસિત ભારત સંપર્કનો મેસેજ મોકલવા મામલે વિવાદ ઉભો થયો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી આજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને આદેશ આપ્યો છે કે, તેઓ તુરંત યુઝર્સોને વાટ્સએપ પર મોકલાતા ‘વિકસીત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરે. આ ઉપરાંત પંચે મંત્રાલયને તુરંત અનુપાલન રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.
ચૂંટણી પંચે વોટ્સએપ પર વિકસીત ભારત મેસેજની ડિલવરી તુરંત અટકાવવા આદેશ આપ્યો છે. આ મામલે મંત્રાલય પાસે અનુપાલન રિપોર્ટ પણ તાત્કાલીક મંગાયો છે. આ મામલે ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે, લોકસભા ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થયા બાદ હજુ પણ આવા સંદેશાઓ નાગરિકોના મોબાઈલ પર મોકલાઈ રહ્યા છે.
ચૂંટણી પંચના કડક વલણ બાદ મંત્રાલયે જવાબ આપ્યો છે કે, આ મેસેજો આચાર સંહિતા લાગુ થયા પહેલા મોકલાયા હતા. જોકે સિસ્ટમેટિક અને નેટવર્ક લિમિટેશનના કારણે આ મેસેજે કદાચ લોકો સુધી મોડા પહોંચ્યા હતા. આ મામલે અગાઉ કેરળ કોંગ્રેસ એકમે કહ્યું હતું કે, આ મેસેજ દ્વારા નાગરિકો પાસેથી પ્રતિક્રિયા મંગાઈ છે, જોકે તેમાં મોકલાયેલ પીડીએફમાં રાજકીય પ્રચાર સિવાય કંઈપણ નથી.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિક્રિયા માંગવાની આડમાં આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનનો પ્રચાર કરી રહ્યા છે અને સરકારી ડેટાબેઝનો દુરુપયોગ કરી રહ્યા છે. કેરળ કોંગ્રેસે વાટ્સએપ પોલિસીનો સ્ક્રીનશાટ પણ શેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે, કંપનીએ રાજકીય દળો, રાજકીય નેતાઓ, રાજકીય ઉમેદવારો અને રાજકીય અભિયાનો દ્વારા મેસેજિંગ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
‘વાટ્સઅપના મેસેજ ઈન્ફો’ મુજબ આ મેસેજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા મોકલાયો છે અને મેસેજમાં લખાયું છે કે, ‘આ પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે.