Western Times News

Gujarati News

મતદાનના દિવસે લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાન કાર્યવાહી દરમ્યાન અસામાજિક તત્વો કોઇ ખલેલ પહોંચાડે નહીં, અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ આચરે નહીં

તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય, ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઇ રહે તથા મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઇ રહે તે હેતુથી અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ  કરી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૧૨/૨૦૨૨ મતદાનના દિવસ માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ મુકરર થયેલ મતદાન દિવસે મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણીપ્રચાર વગેરે સબંધી બુથ ઊભા કરી શકાશે નહીં, ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર એક ટેબલ અને ૨ ખુરશી રાખી શકશે.

આવા સ્થળે ઉમેદવાર ૩x૪.૫ ફૂટનું ફકત ૧(એક) બેનર રાખી શકશે. મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. ચૂંટણી સબંધિત પત્રિકાઓનું વિતરણ થઇ શકશે નહીં તેમજ ચૂંટણી પ્રતીકો દર્શાવી શકાશે નહીં. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઊભો થાય તેવું કૃત્ય કરી શકાશે નહીં.

મતદારને કોઇ ઉમેદવારની તરફેણમાં કે વિરુદ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહીં, દોરવી શકાશે નહીં કે કોઇપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં. મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજૂરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડિંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

કોઇપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇપણ ઉપકરણો સાથે મતદાન દિવસે તા.૦૫-૧૨-૨૦૨૨ના રોજ નિયત કલાકો સુધી પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પ્રતિબંધ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ તથા ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામિલિટરી  ફોર્સના જવાનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.