સર્કિટ હાઉસ- વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
(માહિતી) વડોદરા, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપી છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે જાહેરનામું પ્રસિદ્ધ કરીને સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર નીચે મુજબના પ્રતિબંધો જાહેર કર્યા છે.
૧. વડોદરા શહેરની હદ વિસ્તારના સમાવિષ્ટ તમામ ડાક બંગલાઓ, સરકારી/અર્ધસરકારી આરામગૃહો, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટહાઉસ તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચુંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહી.
૨. ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે.
જાે તેઓ એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બે થી વધુ વાહનોનો વિશ્રામ ગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહીં. ૩. કોઇ એક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇપણ મહાનુભાવોને મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં તથા અતિથિ ગૃહોમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નકકી કરેલ સામાન્ય દરોએ પૂરેપૂરી વસૂલાત લેવાની રહેશે.
૪. જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજયના કાયદાની જાેગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના
જાહેર સાહસોના વિશ્રામગૃહ અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ મ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જાે કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથીગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકશે નહી.
આ હુકમનું ઉલ્લંધન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ હેઠળ તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૩ હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે. વડોદરા શહેર પોલીસ કમિશનર હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.