મતદાર નોંધણી અધિકારીના નિર્ણય સામે જિલ્લા ચૂંટણી અધિકારીને કરી શકાશે અપીલ

તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી સંદર્ભે
આગામી સમયમાં યોજાનાર 24-કડી અને 87-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓ સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા કે કમી કરવાની અરજીઓ મેળવવા સાથે મતદાર નોંધણી અધિકારી દ્વારા હક-દાવા અને વાંધા અરજીઓ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વ ધારો-1950 ની કલમ-24 (એ) મુજબ ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા કરવામાં આવેલા નિર્ણય સામે કોઈ મતદારને વાંધો હોય તો મતદાર નોંધણી અધિકારીના નિર્ણય વિરૂદ્ધ સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી પડેલી 24-કડી વિધાનસભા (અ.જા.) અને 87–વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીઓ સંદર્ભે ગત તા.08 એપ્રિલ, 2025 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તા.08/04/2025 થી તા.24/04/2025 દરમિયાન બંને વિધાનસભા મતવિસ્તારના કુલ 588 બુથ લેવલ ઑફિસર્સ દ્વારા અરજીઓ મેળવવામાં આવી હતી.
જેમાં કડી અને વિસાવદર મતવિસ્તારમાંથી નોંધણી કે કમી ઉપરાંત વિગતોમાં સુધારા અંગે હક-દાવા અને વાંધાઓ અંગે અનુક્રમે 3,030 અને 2,754 અરજીઓ મળી હતી. આ અરજીઓ અંગે નિર્ણયની પ્રક્રિયા બાદ તા.05/05/2025 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેની નકલ માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી હતી.