ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે નિરાશ નહીં, ચિંતાજનક: શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ, રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પરિણામ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે.
તેમણે નગરપાલિકાઓમાં પરાજય માટે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના સંગઠનની નબળાઈનો સ્વીકાર કરતા કહ્યું કે, ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં કોંગ્રેસના કાર્યકરો-આગેવાનો મક્કમતાથી ચૂંટણી લડ્યા તે પ્રશંસનીય છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોહિલે જણાવ્યું કે, તાજેતરમાં યોજાયેલી પાલિકાઓની ચૂંટણી ૨૦૧૮માં યોજાઈ ત્યારે કોંગ્રેસના ૭૮ ધારાસભ્ય અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્ય હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ એ જ નગરપાલિકાઓમાં ૨૦૧૮માં કોંગ્રેસની સ્થિતિ ખૂબ ખરાબ હતી.
શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબૂત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં સંગઠન ઊભું કર્યું હતું. પરિણામે, ખૂબ મોટાપાયા પર કોંગ્રેસ આ ચૂંટણીઓ પંજાના નિશાન પર લડી. જુનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પાેરેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં ૧૧ કોર્પાેરેટર ચૂંટાયા છે.
એ રીતે જોવા જઈએ તો કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક પાલિકાના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક છે, પરંતુ પાલિકાની ચૂંટણી સ્થાનિક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે.
અમરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા સહિતના ધારાસભ્યો-નેતાઓ કોંગ્રેસ છોડી જતા પાલિકાઓમાં નુકસાન થયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કેટલીક બેઠકો પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે જોડાણ કર્યું હતું.
સલાયા પાલિકામાં ભાજપે ધાકધમકી, લોભ-લાલચ સહિતના તમામ પ્રયાસો કર્યા હતા, છતાં ભાજપના ૧૨માંથી એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. સલાયા પાલિકાના કોંગ્રેસ ઉમેદવારોએ અડગ-મક્કમ રહીને ભાજપના ગતકડાંઓ સામે લડીને જીત મેળવી છે. કોંગ્રેસ સલાયાના નાગરિકોનો વિશેષ આભાર વ્યક્ત કરે છે. આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે.SS1MS