તા. 20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
તા.01 જાન્યુઆરી, 2025 ની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાથ ધરવામાં આવશે હાઉસ ટુ હાઉસ સરવે
· તા. 29 ઑક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરાશે મુસદ્દા મતદાર યાદી
· મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરાવવા માટેની અરજીઓ અને હક્ક-દાવાના નિકાલ બાદ તા.06 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે
ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આગામી તા.20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારના ઉપયોગ માટે મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત તા.20/08/2024 થી રાજ્યભરમાં બુથ લેવલ ઑફિસર્સ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવશે. જેમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાઓની યાદી બનાવવાની કામગીરી તથા મતદાર તરીકે ન નોંધાયેલા પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ ઉપરાંત સ્થળાંતર કરનાર, મૃત્યુ પામનાર અને એકથી વધુ વખત નોંધાયેલા મતદારોના નામ કમી કરી મતદાર યાદીને ત્રુટિરહિત કરવા સહિતની કામગીરી કરવામાં આવશે.
હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ તા.19/10/2024 થી તા.28/10/2024 સુધીમાં ફોર્મ નં. 1 થી 8 તથા સંકલિત મતદાર યાદી તૈયાર કરી તા.29/10/2024 ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તા.29/10/2024 થી તા.28/11/2024 સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા તથા સુધારા માટે મળેલી અરજીઓ સંદર્ભે હક્ક-દાવા માટે અરજી કરી શકાશે. તા.24/12/2024 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરી તા.06/01/2025 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધી કરવામાં આવશે.