Western Times News

Gujarati News

૧૦-૧૨ દિવસ વહેલી ચૂંટણી યોજાવાની શક્યતાઃ પાટીલ

નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવો મત ભાજપના પ્રદેશ પ્રમુખે દર્શાવ્યો

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ૨ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. ચૂંટણી પંચની ટીમે ભાજપ અને કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી અને બંને પક્ષ દ્વારા કેટલીક રજૂઆતો કરવામાં આવી છે.

ત્યારે આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ચૂંટણીની તારીખો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. પાટીલે આ વખતે ૧૦-૧૨ દિવસ વહેલા ચૂંટણી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં ચૂંટણી પણ પૂર્ણ થઈ જશે તેવો મત દર્શાવ્યો હતો.

પાટીલે કહ્યું હતું કે, નવેમ્બર મહિનાના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ ૨૦૧૨-૨૦૧૭માં તો ડિસેમ્બરની ૧૨મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ૧૦થી ૧૨ દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારૂ માનવું છે. જાેકે મને કોઈએ આવું કહ્યું નથી.

મારી સાથે કોઈની વાત નથી થઈ. હમણાં પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. આણંદમાં અક્ષર ફાર્મ વિદ્યાનગર ખાતે ભાજપના નવતર જિલ્લા કાર્યાલય શ્રી કમલમના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજર રહેલા પાટીલે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આશરે ૩.૫૦ કરોડના ખર્ચે બનેલા શ્રી કમલમના ઉદ્‌ઘાટન પ્રસંગે ભાજપના નેતાએ આ પ્રકારના સંકેત આપ્યા હતા. આણંદ અક્ષર ફાર્મ ખાતે પેજ સમિતિના ૩૦,૦૦૦થી વધુ સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાયો હતો.

ચૂંટણીમાં થતી ગેરરીતિ દૂર કરવા પંચ સમક્ષ કોંગ્રેસની રજૂઆત
ગાંધીનગર, કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા કરાયેલી રજૂઆતો બાદ કોંગ્રેસે કરેલી રજૂઆતો સામે આવી છે. જે અનુસાર ડુપ્લિકેટ વોટર્સને રદ કરવામાં આવે, ખોટી રીતે નામો રદ કરવા તે મામલે ચકાસણી કરવી, ચૂંટણીમાં થતી તમામ ગેરરીતિ દૂર કરવામાં આવે,

ઈવીએમ મશીનમાં થતી ગેરરીતિ, વીવીપેટમાં મતદાનને સ્લીપમાં બતાવવામાં આવે અને ક્રોસ ચેકિંગ કરવામાં આવે. આ ઉપરાંત કોંગ્રેસે જણાવ્યુ કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. અત્યારની કેન્દ્ર સરકારે દેશની બંધારણીય પ્રક્રિયાને નબળી પાડીને હાઇજેક કરી છે. ચૂંટણી પંચમાં તેમના માણસો ગોઠવ્યા છે. બેક સીટ ડ્રાઈવિંગ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.