Western Times News

Gujarati News

કોઈપણ સમયે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે: નવા ચૂંટણી કમિશનરોની નિમણૂંક

નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર-સુખબીર સંધુના નામ નક્કી

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતં કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દેશભરમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ એવો દાવો કર્યો છે કે પૂર્વ બ્યુરોક્રેટ્‌સ સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે.

બેઠક બાદ સમિતિના સભ્ય અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચૌધરીએ કહ્યું હતું કે, “પસંદગી સમિતિએ છ નામો રજૂ કર્યા હતા, જેમાંથી ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દીવર પાંડે, સુખબીર સિંહ સંધુ અને ગંગાધર રાહતના નામ સામેલ હતા. આ નામમાંથી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધીર રંજન ચૌધરી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે તેમને ગઈકાલે રાત્રે તપાસ માટે ૨૧૨ નામ આપવામાં આવ્યા હતા. “હું ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યો અને આજે બપોરે બેઠક હતી. મને ૨૧૨ નામ આપવામાં આવ્યા હતા. એક દિવસમાં આટલા બધા ઉમેદવારોની તપાસ કોઈ કેવી રીતે કરી શકે? પછી, મને બેઠક પહેલા છ શોર્ટલિસ્ટ કરેલા નામો આપવામાં આવ્યા હતા.

બહુમતી તેમની સાથે છે, એટલે તેમને ગમતા હતા એવા જ ઉમેદવારની પસંદગી કરી હતી. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં જ્ઞાનેશ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે, તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્ઞાનેશ કુમારને પણ બઢતી મળી અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા હતા. તેઓ કેરળ કેડરના ૧૯૮૮ બેચના આઈએએસ અધિકારી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.