Western Times News

Gujarati News

પાદરાના ડબકા ગામમાં ગણેશ પંડાલ બાંધતા ૧૫ને વીજશોકઃ એકનું મોત

પ્રતિકાત્મક

(એજન્સી)વડોદરા, જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતા મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા ૧૫ યુવાનોને કરંટ લાગવાની ઘટના બની છે. જેમાં ઘટના સ્થળ પર એક યુવાનનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે અન્ય ૧૪ યુવાનને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ થઈ છે.

લોખંડની અેંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડબકા ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ૪૧માં વર્ષે ગણેશ ઉત્સવ મનાવવા માટે યુવક મંડળના યુવાનો ૧૨ ફૂટની શ્રીજીની સ્થાપના માટે ૧૫ ફૂટ ઉંચો પંડાલ બનાવી રહ્યા હતા.

અંધારું હોવાથી પંડાલનો લોખંડનો પોલ ૧૧ દ્ભફ વીજ લાઇનને અડી જતાં પંડાલ બનાવવાનું કામ કરી રહેલા ૧૫ યુવાનોને કરંટ લાગતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં મૃતક યુવાન પ્રકાશ ઉર્ફ સચિન જાદવ ત્રણ ભાઇમાં બીજા નંબરનો હતો. તે ગામમા પ્રોવિઝન સ્ટોર ચલાવતો હતો. તેને ૬ વર્ષની દીકરી છે. પ્રકાશનું મૃત્યુ નિપજતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે.

ગણેશ મંડળના અગ્રણી મહેશભાઇ જાદવે મીડિયાને જણાવ્યું કે, યુવક મંડળ દ્વારા વડોદરામાં શ્રીજીની મૂર્તિ બુક પણ કરાવી દીધી હતી. શુક્રવારે વડોદરા મૂર્તિ લેવા માટે આવવાના હતા. પરંતુ, મોડી રાત્રે બનેલી ઘટનાને પગલે ગામ શોકમાં ગરકાવ થઇ ગયું છે. મંડળ દ્વારા હવે સોપારીની સ્થાપના કરી ગણેશ ઉત્સવ મનાવવાનો નિર્ણય કર્યો છે.આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.