Western Times News

Gujarati News

૩૯૭ ગેરકાયદે વીજ જોડાણ પકડાયા : ગેરરીતિ બદલ 1.65 કરોડ આકારણી વસુલાઇ

પ્રતિકાત્મક

વીજ ચોરોને પકડવા પોલીસ અને વીજ કંપનીઓ દ્વારા રાજ્યભરમાં મેગા ડ્રાઇવ-રાજ્યમાં ગેરકાયદેસર વીજ જોડાણથી કરવામાં આવતી વીજ ચોરી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ

પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૨૦૦થી વધુ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધરી ૩૭૩૦ વીજ જોડાણનું ચેકિંગ કર્યું

ગેરકાયદેસર વીજ જોડાણ કરીને વીજ ચોરી કરવી એ ખૂબ ગંભીર બાબત છે. આ પ્રકારની ચોરી કરીને સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડતા વીજ ચોરોના આ કૃત્યને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. વીજ ચોરોની સામે કડક કાર્યવાહી કરવા અને

તેમને પકડવા માટે ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૨૦૦થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને ૩૭૩૦ વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં ૩૯૭ ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. આ ગેરરીતિ બદલ તેમની પાસેથી રૂ.૧૬૫.૬૫ લાખ આકારણીની વસુલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ અને ગુજરાત પોલીસ દ્રારા સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની ૮૬ ટીમો સાથે ૧૮૨૮ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે.

તે પૈકી ૧૦૦ વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૯૦ લાખની આકારણી કરવામાં આવી છે. આ ચેકીંગ દરમ્યાન કેટલીક ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે.

તે ઉપરાંત રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર વિસ્તારમાં વીજ કંપનીની ૪૪ ટીમો સાથે ૮૫૭ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી ૧૨૬ વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૨૬ લાખની આકારણી કરવામાં આવી છે.

તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના ૦૭ ગામો અને ધાંગધ્રા શહેર વિસ્તારમાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે ૫૭૩ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તે પૈકી ૮૬ વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૧૮ લાખની આકારણી કરવામાં આવી છે.

આ ડ્રાઇવ દરમ્યાન ૦૪ ટી.સી., ૫૦૦ મી. વાયર અને ૭ સબમર્શીબલ પંપ મોટર કબ્જે કરવામાં આવી છે. બીજી તરફ જામનગર  જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની ૩૭ ટીમો સાથે ૪૭૨ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી ૮૫ વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૩૧.૬૫ લાખની આકારણી કરવામાં આવી છે.

રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં વીજચોરી અટકાવવા અલગ-અલગ જિલ્લાઓમાં મેગા ચેકીંગ ડ્રાઇવની કામગીરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.