ઈલોન મસ્કની એક્સ કોર્પે એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો

કેન્દ્ર સરકાર પર મનફાવે તેમ કન્ટેન્ટ બ્લોક કરાવવાનો આરોપ-કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા ૭૯ (૩) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે.
(એજન્સી)વોશિંગ્ટન, ઈલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઇટી અધિનિયમની ધારા ૭૯ (૩) (બી)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. Elon Musk‘s ‘X’ sues Centre in Karnataka High Court, says govt misused I-T Act to block content
કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સશીપ સિસ્ટમ બનાવી રહી છે. તથા એક્સ પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ અરજીમાં ૨૦૧૫ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે.
X કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા ૭૯(૩)(બી)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મનફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા ૬૯એના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતા પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. આટલું જ નહીં સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ.
જોકે સરકાર આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી ૨૭મી માર્ચે થશે. નોંધનીય છે કે અગાઉ ૨૦૨૨માં પણ એક્સ કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો. તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.