EME વડોદરા ખાતે ઓપરેશન વિજય-કારગીલ વિજય દિવસ વિશેષ ઉજવણી
વડોદરા કારગીલ વિજય દિનને ૨૦ વર્ષ થતાં ભારતીય આર્મી વડોદરા વિભાગ દ્વારા ઇમીઇ વડોદરા ખાતે શાળાના બાળકો માટે યુધ્ધ સાધનસામગ્રી પ્રદર્શની ગોઠવવામાં આવી હતી. વિવિધ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓએ આ યુધ્ધ સાધનસામગ્રીની પ્રદર્શની નિહાળી પ્રેરણા મેળવી હતી.
ભારતીય આર્મીના અથાગ પ્રયત્નો, ધગશ, જુસ્સો, વીરતા અને દ્રઢ નિશ્ચયના પ્રતિકસમા ઓપરેશન વિજય-કારગીલ વિજય તથા ભારતીય ઇતિહાસના સુવર્ણ પાનામાં વિશેષ સ્થાન ધરાવે છે ત્યારે ઓપરેશન વિજય-કારગીલ વિજય દિનને ૨૦ વર્ષ થતાં ભારતીય આર્મીએ ભારતના આ ભવ્ય વિજયને યુધ્ધ સાધનસામગ્રી પ્રદર્શની યોજીને વિશેષ રીતે ઉજવણી કરી હતી.
વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓએ યુધ્ધ ઉપયોગી સાધનસામગ્રીનો પરિચય મેળવી કુતૂહલ, જિજ્ઞાશા સાથે પ્રશ્નો કર્યા હતા. બાળકોની ભારતીય આર્મીની સંરક્ષણ કામગીરી અને જુદી-જુદી યુધ્ધ સામગ્રીના ઉપયોગ વિશે જાણવાની ઉત્કંઠાને તે સમજી શકે તેવી સરળ ભાષામાં આર્મીના જવાનોએ જવાબ આપ્યો હતો.
રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓને ભારતીય આર્મી દ્વારા યોજવામાં આવેલ આ પ્રદર્શનથી શું શીખવા મળ્યું અને કેવી અનુભૂતિ થાય છે તેવું પૂછતા વેબ મેમોરિયલ ગર્લ્સ હાઇસ્કુલ નિઝામપુરા-વડોદરા ખાતે ધો.૧૧ આર્ટસમાં અભ્યાસ કરતા દિવાન નિઝમાએ કહ્યું કે, આ પ્રદર્શની રાષ્ટ્રપ્રેમને વધુ મજબૂત કરે છે. ભારતીય આર્મી સરહદીય વિસ્તારોની સતત ભવ્ય રીતે સુરક્ષા કરે છે આ સુરક્ષા વ્યવસ્થાથી નાગરિકો શાંતિ-સલામતીથી જીવન જીવી શકીએ છીએ ત્યારે સુરક્ષા જવાનો માટે સન્માન અને ગૌરવ અનુભવાઇ છે.
જયારે મેકવાન સાક્ષીએ કહ્યું કે, ભારતીય આર્મીની શિસ્ત, અનુશાસન,સખત મહેનત અને ખંત ખૂબ પ્રેરક છે. કારગીલ વિજય દિવસ નિમિત્તે યોજાયેલ પ્રદર્શની રાષ્ટ્ર માટે કંઇક કરી છૂટવા પ્રેરણા પૂરી પાડે છે.