અમિત શાહના પ્લેનનું ગુવાહાટીના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
ગુવાહાટી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્લેનને ગઈકાલે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ગઈકાલે રાત્રે અમિત શાહ અગરતલા પહોંચવાના હતા પરંતુ ખુબ જ ખરાબ હવામાનને કારણે તેમના પ્લેનને લગભગ ૧૦.૪૫ વાગ્યે ગુવાહાટીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યુ હતું. અમિત શાહના કાર્યક્રમ પ્રમાણે આજે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલી ઝંડી ફરકાવવાની હતી.
ત્રિપુરામાં આ વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પશ્ચિમ ત્રિપુરાના પોલીસ અધિક્ષક શંકર દેબનાથે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે લગભગ ૧૦ વાગ્યે એમબીબી એરપોર્ટ પર ઉતરવાના હતા પરંતુ ગાઢ ધુમ્મસને કારણે અને ઓછી વિઝિબ્લીટીના કારણે પ્લેન લેન્ડ થઈ શક્યું ન હતું. એસપીએ જણાવ્યું હતું. એમબીબી એરપોર્ટ માટે નિર્ધારિત ફ્લાઇટ ગુવાહાટીમાં ઉતરી ગઈ છે અને અમિત શાહ ત્યાં રાત રોકાયા હતા.
અગાઉ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે શાહ ગઈકાલે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરૂમ પેટાવિભાગથી રથયાત્રાને લીલી ઝંડી આપવા માટે અગરતલા પહોંચી જશે. મુખ્ય પ્રધાન માણિક સાહાએ આગલા દિવસે પત્રકારોને જણાવ્યું હતું કે જન વિશ્વાસ યાત્રા આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારને ચિહ્નિત કરશે અને અમે ખુશ છીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી બંને કાર્યક્રમોને ફ્લેગ ઓફ કરશે.
શાહ પહેલા ધર્મનગર જશે જ્યાં તેઓ યાત્રાને લીલી ઝંડી બતાવશે અને રેલીને સંબોધિત કરશે. સાહાએ કહ્યું કે આ પછી તે સબરૂમ જશે જ્યાં તે બીજી રથયાત્રાનું ઉદ્ઘાટન કરશે અને જનસભાને સંબોધિત કરશે. તેમણે કહ્યું કે શાહ સબરૂમ કાર્યક્રમ બાદ અગરતલા પરત ફરશે અને સાંજે ત્રિપુરા જવા રવાના થશે.