EMI પર વ્યાજ લેવા મામલે સુપ્રીમે કેન્દ્રની ઝાટકણી કાઢી
સમસ્યા લોકડાઉનના કારણે ઉભી થઇ, માત્ર રોજગારી પર વિચારવાનો નહીં લોકોની દુર્દશાનો વિચાર જરૂરી છે
નવી દિલ્હી, કોરોના લોકડાઉનના સંકટ વચ્ચે લોન મોરેટોરિયમ સંદર્ભે ઈએમઆઈ પર વ્યાજ લેવા સામે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારની આકરી ટીકા હતી. કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં કહ્યું કે સરકાર આરબીઆઈની પાછળ છૂપાઈ શકે નહીં. તેને બેંકોની મરજી પર છોડી શકાય નહીં. સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. કોર્ટે કહ્યું કે, આ સમસ્યા લોકડાઉનના કારણે ઉભી થઇ છે. આ કેવળ રોજગારી પર વિચાર કરવાનો સમય નથી. સરકારે લોકોની દુર્દશાનો પણ વિચાર કરવો જોઇએ.
સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. સરકાર લોકોની તકલીફને બાજુમાં મૂકીને ફક્ત વેપારી દ્રષ્ટિકોણથી વિચારી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યુ કે, તમે આ બાબતે તમારો મત કેમ સ્પષ્ટ કર્યો નથી. ડીએમ એક્ટ હેઠળ કેન્દ્રની પાસે સારા પ્રમાણમા વિકલ્પો છે. કેન્દ્રએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. કોર્ટે સરકારને જલદી ર્નિણય લઈને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી એક સપ્ટેમ્બરના રોજ થશે. અરજીકર્તાએ દલીલ કરી કે કેન્દ્ર સરકાર તરફથી સુનાવણીને વારંવાર ટાળવાની માગણી કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સોગંદનામું પણ દાખલ કરાયું નથી. કેન્દ્રએ વ્યાજને માફ કરવાના સંબંધમા જલ્દિ જ પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. સામાન્ય લોકો સાથે જોડાયેલા આ મહત્વના મુદા પર તેઓ ફક્ત આરબીઆઈને જવાબદાર ઠેરવી શકે નહી.SSS