Western Times News

Gujarati News

લેખક ગોવિંદ મિશ્રા તથા કવિ સિતાંશુ યશશ્ચંદ્રને ‘આકાશદીપ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

પ્રતિકાત્મક તસવીર

અમર ઉજાલા શબ્દ સમ્માન-2024 : અન્ય 5 લોકોને વર્ષની શ્રેષ્ઠ સાહિત્ય રચનાઓ માટે એવોર્ડ આપવામાં આવશે

નવી દિલ્હીઃ હિન્દીના જાણીતાં કવિ અને લેખક ગોવિંદ મિશ્રા તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ, નાટ્યલેખક અને સમીક્ષક સિતાંશુ યશશ્ચંદ્રને લેખન અને જીવનમાં તેમના આજીવન સુદીર્ઘ યોગદાન બદલ અગ્રણી હિન્દી સમાચાર જૂથ અમર ઉજાલા દ્વારા સ્થાપિત સર્વોચ્ચ ‘આકાશદીપ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

આધુનિક કળા અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય અને બેજોડ યોગદાન બદલ ગુજરાતના કચ્છમાં 19 ઓગસ્ટ, 1941ના રોજ જન્મેલા સિતાંશુ યશશ્ચંદ્રની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરપ્રદેશના બાંદામાં 1 ઓગસ્ટ, 1939ના રોજ જન્મેલા ગોવિંદ મિશ્રાની હિન્દી લેખન ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. Eminent poet and writer Govind Mishra and eminent Gujarati poet Sitanshu Yashashchandra will be honored with ‘akashdeep’.

અત્યાર સુધી આકાશદીપ હેઠળ હિન્દી સાથે કન્નડ, મરાઠી, બંગાળી, ઉડિયા અને મલયાલમ ભાષાને આવરી લેવાઈ હતી. આ વર્ષે ગુજરાતીની પસંદગી કરવામાં આવી છે. બિનહિન્દી ભારતીય ભાષાઓ માટે ગિરીશ કર્નાડ, ભાલચંદ્ર નેમાડે, શંખ ઘોષ, પ્રતિભા રાય, એમટી વાસુદેવન નાયર અને હિંદી ભાષામાં નામવર સિંહ, જ્ઞાન રંજન, વિશ્વનાથ ત્રિપાઠી, શેખર જોશી અને વિનોદ કુમાર શુક્લાને આકાશદીપનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

અમર ઉજાલાના ગ્રુપ એડવાઈઝર અને શબ્દ સમ્માનના સંયોજક યશવંત વ્યાસે જણાવ્યું હતું કે અમર ઉજાલા ફાઉન્ડેશને ભારતીય ભાષાઓના સામૂહિક સ્વપ્નની પૃષ્ઠભૂમિમાં 2018માં શબ્દ સન્માનનો પ્રારંભ કર્યો હતો.

‘આકાશદીપ’નું સર્વોચ્ચ સન્માન હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના દરેક સાહિત્યકારને એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડમાં પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીક તરીકે ગંગાજીની પ્રતિમાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સાથે જ વર્ષની શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓ (શ્રેષ્ઠ કૃતિ)નું પણ સન્માન કરવામાં આવે છે.  જેમાં ભાષાઓ વચ્ચેના સહયોગને ઉજાગર કરવા માટે અનુવાદ માટે ભાષાબંધુ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.

યુગલ જોશી, ધ્રુવ શુક્લા, જ્યોતિ ચાવલા, કિંશુક ગુપ્તા અને સુભાષ નીરવને શ્રેષ્ઠ કૃતિ સન્માન એનાયત કરાશે. અમર ઉજાલા શબ્દ સન્માન-2024 હેઠળ વર્ષ 2023માં પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ હિન્દી કૃતિઓ માટે પણ શબ્દ સન્માનની જાહેરાત કરવામાં આવી છે.

‘છાપ’ કેટેગરીમાં જ્યોતિ ચાવલાનો સંગ્રહ ‘યે ઉનિંદી રાતોં કા સમય હૈ’ કવિતામાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ફિક્શન કેટેગરીમાં યુગલ જોશીની નવલકથા ‘અગ્નિકાલ’ અને નોન-ફિક્શન કેટેગરીમાં ધ્રુવ શુક્લાની કૃતિ ‘વા ઘર સબસે ન્યારા’ને વર્ષની ‘શ્રેષ્ઠ કૃતિ’ તરીકે સન્માનિત કરવામાં આવશે. કોઈ પણ લેખકના પ્રથમ પુસ્તક માટેનો ‘થાપ’ એવોર્ડ,  કિંશુક ગુપ્તાને તેની કૃતિ ‘યે દિલ હૈ કી ચોર દરવાજા’ માટે આપવામાં આવશે. ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે ‘તુમ ક્યું ઉદાસ હો’ (મૂળ પંજાબી: કુલબીર બડેસરોં)ના હિન્દી અનુવાદ માટે સુભાષ નીરવને ‘ભાષા બંધુ’ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પુરસ્કારોમાં પ્રત્યેકને એક લાખ રૂપિયાની રકમ, એક પ્રશસ્તિપત્ર અને પ્રતીક તરીકે ગંગાજીની પ્રતિમાનો સમાવેશ થાય છે. જાણીતા કવિ આલોક ધનવા, પ્રસિદ્ધ સ્ટોરીટેલર સંજીવ, પ્રસિદ્ધ વિવેચક વગીશ શુક્લા, વરિષ્ઠ લેખક-સંપાદક વિશ્વનાથ સચદેવ અને પ્રસિદ્ધ સ્ટોરીટેલર અખિલેશની બનેલી ઉચ્ચસ્તરીય જ્યુરીએ આ કૃતિઓને પોતાના માપદંડ પર ચકાસી છે. અમર ઉજાલા શબ્દ સમ્માન ટૂંક સમયમાં જ એક સમારોહમાં એનાયત કરવામાં આવશે.

આકાશદીપ પુરસ્કાર વિજેતાઓના ક્વોટ્સ:

“આ ભાષાઓ વચ્ચેનો સૌથી સુંદર સેતુ છે.” – સિતાંશુ યશશ્ચંદ્ર

“એક ભવ્ય પરંપરાનો ભાગ બનવું એ એક મહાન અનુભૂતિ  છે.” – ગોવિંદ મિશ્રા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.