Western Times News

Gujarati News

જર્મનીમાં કર્મચારીઓ સપ્તાહમાં માત્ર ચાર દિવસ કામ કરશે

નવી દિલ્હી, ભારતમાં નારાયણ મૂર્તિ જેવા ઉદ્યોગપતિઓ લોકોને સપ્તાહમાં ૭૦ કલાક કામ કરવાની સલાહ આપે છે ત્યારે જર્મનીમાં દર અઠવાડિયે ઓછું કામ કરવાનો પ્રયોગ શરૂ થવાનો છે. જર્મની સપ્તાહમાં પાંચ દિવસના બદલે માત્ર ચાર દિવસ કામ કરવાના નિયમો ઘડી રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીથી આ પ્રયોગ શરૂ થશે અને શરૂઆતમાં છ મહિના સુધી આવું કરવામાં આવશે.

જો કંપનીઓ અને કર્મચારીઓને માફક આવશે અને ઉત્પાદકતા જળવાઈ રહેશે તો જર્મની સપ્તાહમાં ચાર જ દિવસ કામ કરવાનો નિયમ લાગુ કરશે. જર્મનીમાં અત્યારે અર્થતંત્ર મંદીનો સામનો કરે છે ત્યારે આવો પ્રયોગ કરવો વિચિત્ર લાગે છે.

અહીં પહેલેથી સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનો નિયમ છે જેની જગ્યાએ ચાર દિવસનું કામ શરૂ કરવામાં આવશે. કંપનીઓ એક દિવસની વધારાની રજા સામે કર્મચારીઓને પૂરે પૂરો પગાર આપશે. તેથી મહિનામાં ચાર દિવસનો પગાર કપાઈ જવાની કોઈ બીક નથી.

જર્મનીના કામદાર યુનિયનોનું કહેવું છે કે કર્મચારીઓ સપ્તાહમાં ઓછા કલાક કામ કરશે તો તેનાથી ઉત્પાદકતા ઘટશે નહીં પણ ઉલ્ટાની વધશે. આ ઉપરાંત કર્મચારીઓ વધુ તંદુરસ્ત અને સુખી રહેશે તેવું પણ કહેવામાં આવે છે. જર્મન સરકારના પાઈલટ પ્રોજેક્ટમાં ૪૫ કંપનીઓ જોડાવાની છે.

તેમાંથી એક કંપનીએ જણાવ્યું કે લોકોને ઓછા કલાક કામ કરવાનું આવશે તો તેઓ વધુ ખુશીથી કામ કરશે, તેઓ ખુશ રહેશે તો તંદુરસ્તી પણ જળવાશે. તેના કારણે કાર્યક્ષમતામાં વધારો થશે. સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરવાનો પ્રયોગ સફળ થશે તો લાંબા ગાળે આપણને કોઈ નુકસાન થવાનું નથી.

જર્મન લેબર માર્કેટમાં એક નવું પરિવર્તન આવી રહ્યું છે. સ્કીલ્ડ વર્કર્સની અછત છે અને કંપનીઓએ ઘણી ખાલી જગ્યાઓ ભરવાની છે. પરંતુ કામના કલાકો વધારે હોય ત્યારે લોકોની ભરતી કરવી મુશ્કેલ પડે છે. એક તરફ જર્મનીમાં કામદારોની અછત છે, બીજી તરફ ફુગાવાનો દર ઉંચો છે. તેના કારણે તમામ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ હવે વેતન વધારો માંગી રહ્યા છે અને કોવિડ વખતે તેમને જે સુવિધાઓ આપવામાં આવી હતી તે પરત માગી રહ્યા છે.

જર્મન સરકાર એ બાબતની ચકાસણી કરી રહી છે કે ઓછા કલાક કામ કરવાથી કર્મચારીઓની ઉત્પાદકતાને અસર થાય છે કે નહીં. જર્મનીના ટ્રેન ડ્રાઈવરોના યુનિયનની માંગ છે કે તેમને સપ્તાહમાં ૩૮ કલાકના બદલે માત્ર ૩૫ કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે અને તેની સામે વેતનમાં પણ કોઈ ઘટાડો થવો ન જોઈએ.

આ ઉપરાંત જર્મનીમાં કન્સ્ટ્રક્શન યુનિયને તેના ૯.૩૦ લાખ કામદારો માટે વેતનમાં ૨૦ ટકા કરતા વધારે પગારવધારો માંગ્યો છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ રીતે ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે તો જર્મનીમાં ફુગાવો વધવાની શક્યતા રહે છે.

આ ઉપરાંત જર્મનીમાં સરેરાશ ઉંમર વધી રહી છે અને લાખો લોકો નિવૃત્તિના આરે આવી ગયા છે. તેમની જગ્યા ભરવા માટે માણસોની અછત છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૫ સુધીમાં લગભગ ૭૦ લાખ લોકો જર્મન લેબર ફોર્સ છોડી દેશે અને તેની જગ્યાએ બીજા કામદારોને લેવા પડશે. પરંતુ જર્મનીમાં બર્થરેટ અને ઈમિગ્રેશનનો દર ઓછો હોવાથી માણસો શોધવા મુશ્કેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.