જમ્મુ-કાશ્મીરમાં અથડામણઃ ત્રણ આતંકી ઠાર મરાયાં, ત્રણ પોલીસ જવાન શહીદ

જમ્મુ, સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના કથુઆ જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાં હતાં.
આ અથડામણમાં પોલીસના ત્રણ જવાનો શહીદ થયાં હતાં અને બે જવાનો ઘાયલ થયાં હતાં. આ અથડામણમાં આતંકવાદ વિરોધી ઓપરેશનના ચોથા દિવસે સુરક્ષા દળોને જુઠાણાના ગાઢ જંગલોમાં પાંચ આતંકીઓ છુપાયાં હોવાની બાતમી મળી હતી.
જેને પગલે આ વિસ્તારમાં તલાશી અભિયાન સઘન બનાવાયું હતું. સુરક્ષા દળોની હાજરીની જાણ થતાં જ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યાે હતો. સામસામાં ગોળીબારમાં પોલીસના ત્રણ જવાનો શહીદ થયાં હતાં જ્યારે બે જવાનો ઘવાયાં હતાં.
મોડી રાત સુધી અથડામણ ચાલુ રહી હતી. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. સુરક્ષા દળોનું માનવું છે કે, રવિવારે હિરાનગર ખાતે થયેલી અથડામણ દરમિયાન જે આતંકવાદીઓ નાસી છૂટ્યાં હતાં તે આતંકવાદીઓ જ આજની અથડામણમાં સામેલ હતાં.
સુરક્ષા દળોના મતે આતંકીઓ પાકિસ્તાનની સરહદે નવી ખોદેલી ટનલ અથવા કોતરોના માર્ગે ભારતમાં ઘૂસ્યાં હશે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૨ માર્ચથી પોલીસ, સેના, એનએસજી, બીએસએફ તથા સીઆરપીએફના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં વ્યાપકસ્તરે આતંકવાદ વિરોધી અભિયાન હાથ ધર્યું છે.
યુએવી તથા ડ્રોન્સ સહિતની અત્યાધુનિક સર્વેલન્સ ટેન્કોલોજીથી સજ્જ સુરક્ષા દળના જવાનો દ્વારા આતંકી ગતિવિધિઓની સૌથી વધુ સંભાવના ધરાવતા તમામ વિસ્તારોમાં સર્ચ અભિયાન ચલાવાઈ રહ્યું છે.SS1MS