શિક્ષણ અંગે મતભેદ થતાં એન્જિ.ના વિદ્યાર્થીએ મા-બાપની હત્યા કરી દીધી
નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ શિક્ષણ અને કારકિર્દીને લઈને મતભેદને કારણે પોતાના માતા-પિતાની કથિત રીતે હત્યા કરી દીધી છે, તેમ બુધવારે પોલીસે જણાવ્યું છે.
૨૫ વર્ષીય આરોપી ઉત્કર્ષ ઢકોલેએ ૨૬મી ડિસેમ્બરે શહેરના કપિલ નગર વિસ્તારમાં પોતાના ઘરમાં જ માતા-પિતાની હત્યા કરી દીધી અને બુધવારે સવારે પડોશીઓ દ્વારા દુર્ગંધની ફરિયાદ પછી આ ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી.
નાગપુરના સંબંધિત ઝોનના ડીસીપી નિકેતન કદમે જણાવ્યું કે આરોપીની માતા-પિતાના મૃતદેહ મળી આવ્યા પછી ઉત્કર્ષની ધરપકડ કરી લેવામાં આવી અને તેણે હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે મૃતકોની ઓળખ લીલાધર ઢકોલે(૫૫) અને તેમની ૫૦ વર્ષીય પત્ની અરુણા તરીકે થઈ છે.
પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઉત્કર્ષે કથિત રીતે ૨૬મી ડિસેમ્બરે બપોરે પોતાની માતાનું ગળું દબાવી હત્યા કરી હતી. તેની માતા શિક્ષિકા હતા, અને એ જ દિવસે સાંજે પાંચ કલાકે વીજ ઉત્પાદન યુનિટમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવીને પરત ફરેલા પોતાના પિતાની ચાકૂથી હત્યા કરી હતી.
ત્યાર પછી બંનેના મૃતદેહો ત્યાં જ છોડી દીધા હતા. પ્રાથમિક માહિતી એવી મળી છે કે ઉત્કર્ષનો ખરાબ શૈક્ષણિક રેકોર્ડ અને કારકિર્દીને લઈને વિવાદ હતો.
ઉત્કર્ષ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન કેટલાય વિષયોમાં નાપસ થયો હતો. વારંવાર ટ્રાયલ આપવા છતાં પાસ થઈ શકતો ન હતો. એટલે તેના માતા-પિતા ઈચ્છતા હતા કે એ એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને બીજુ કઈક કામ કરે. જોકે, ઉત્કર્ષને માતા-પિતાની સલાહ ગમતી ન હતી.SS1MS