એન્જિનિયરિંગ, મેડિકલ તેમજ ફાર્મસી માતૃભાષામાં ભણાવાશે
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ
ગાંધીનગર, રાજયના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ઇજનેરી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.એમ.વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં કુલપતિઓ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણવિદો તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવી શિક્ષણનીતિ-૨૦૨૦ મુજબ વિદ્યાર્થીઓ / અભ્યાસુઓને માતૃભાષામાં શિક્ષણ આપવાથી તમામ વિષયોને સમજવામાં ઘણી જ સરળતા પડે તેમ હોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ મહત્વનો ર્નિણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, માતૃભાષામાં કોઇ પણ વિષયની અભિવ્યક્તિ એ વિચારોની મૌલિકતા અને નવા વિચારોને પ્રોત્સાહન આપે છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપવું તે જરૂરી જ નહી પરંતુ અનિવાર્ય હોઇ સરકારી અને બિન-સરકારી શૈક્ષણિક સંસ્થાઓ આ નીતિ મુજબ કાર્યવાહી કરે અને વ્યાવસાયિક વિધ્યાશાખાઓ (ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કીટેક્ચર, એમ.બી.એ., એમ.સી.એ. વગેરે) માટેના તમામ પાઠ્યપુસ્તકો તેમજ અન્ય સાહિત્ય ગુજરાતીમાં તૈયાર થાય તે જરૂરી હોઈ આ ર્નિણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, ઓલ ઇંન્ડિયા કાઉંસિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા વ્યાવસાઇક અભ્યાસ્ક્રમોનુ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા માટે માનદ વેતન આપવામાં આવે છે. આ માટે રાજય સરકારે ચાલુ વર્ષના બજેટમાં નવી બાબત હેઠળ ઇજનેરીના પુસ્તકોનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવા માટે રૂ. ૫૦ લાખની ફાળવણી પણ કરી છે. જેની કામગીરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવામાં આવેલ છે.