કોહલી માટે ખરાબ સપના જેવો ઇંગ્લેન્ડનો પ્રવાસઃ ૬ ઇનિંગમાં ૧૦૦ રન પણ બન્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Virat-Kohli-3-scaled.jpg)
મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન-ડે મેચમાં પણ વિરાટ કોહલી ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો અને માત્ર ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલીને ફાસ્ટ બોલર રીસ ટોપ્લીએ વિકેટ કીપર જાેસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
વિરાટ કોહલી આ વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસે છ ઇનિંગમાં માત્ર ૭૬ રન બનાવી શક્યો હતો. સૌથી પહેલા એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની પ્રથમ અને બીજી ઇનિંગમાં મળીને કુલ ૩૧ રનનું યોગદાન આપ્યુ હતુ.
તે બાદ ટી-૨૦ સીરિઝની બે મેચમાં તે ૧ અને ૧૧ રન જ બનાવી શક્યો હતો. હવે વન-ડે સીરિઝમાં વિરાટ કોહલીના સારા પ્રદર્શનની આશા હતી પરંતુ તેને ફેન્સની આશાને તોડી નાખી હતી. લૉર્ડ્સના મેદાનમાં વિરાટ કોહલી ૧૬ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે મેનચેસ્ટરમાં વિરાટ કોહલીએ ૧૭ રન બનાવ્યા હતા.
ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારતા વિરાટ કોહલીને ૯૫૦ દિવસ કરતા વધુ સમય થઇ ગયો છે. ૩૩ વર્ષના વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અંતિમ સદી નવેમ્બર ૨૦૧૯માં ફટકારી હતી. વિરાટ કોહલીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ૧૩૬ રનની ઇનિંગ રમી હતી. તે બાદથી વિરાટ કોહલીએ ૬૮ મેચની કુલ ૭૯ ઇનિંગમાં ૨૫૫૪ રન બનાવ્યા છે જેમાં ૨૪ અડધી સદી ફટકારી છે.
આ દરમિયાન તેની એવરેજ ૩૫.૪૭ની રહી છે, જે તેના કરિયરની એવરેજ ૫૩.૬૪થી મેળ ખાતી નથી. આ આંકડાથી ખબર પડે છે કે વિરાટ કોહલીના ફોર્મમાં કેટલો ઘટાડો થયો છે.
છેલ્લા કેટલાક વર્ષમાં વિરાટ કોહલીના આઉટ થવાની પેટર્ન સમાન છે. કોહલી કેટલીક વખત ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને કારણે આઉટ થયો છે. વિરાટ કોહલીએ આવા બોલ પર અનેક રન બનાવ્યા છે પરંતુ જ્યારે ફોર્મ ખરાબ હોય તો ખરાબ બોલ પર પણ બેટ્સમેન વિકેટ ગુમાવી દે છે.HS1MS