ઇંગ્લેન્ડ પ્રવાસ ભારત માટે કપરો બની રહેવાનો છેઃ વિક્રમ રાઠોર

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ વિક્રમ રાઠોરના મતે ભારતીય ટીમનો આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ કપરો બની રહેવાનો છે અને તેમાંય ટીમ ત્રણ દિગ્ગજ વિના જ આ વખતે અંગ્રેજ ધરતી પર ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ભારત છેલ્લે ટેસ્ટ સિરીઝ રમ્યું તેમાંથી આ વખતે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન ટીમમાં રમવાના નથી કેમ કે તેઓ નિવૃત્ત થઈ ગયા છે.
ભારતીય ટીમ છેલ્લે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ રમી હતી અને તે જ સિરીઝ દરમિયાન અશ્વિને નિવૃત્તિ જાહેર કરી હતી તો તાજેતરમાં જ કોહલી અને રોહિતે આ નિર્ણય લીધો છે. આમ ભારતને આગામી પ્રવાસ માટે નવો સુકાની અને આ ત્રણની જગ્યા ભરી શકે તેવા ખેલાડીની જરૂર પડશે. નવા સુકાનીના સ્થાન માટે શુભમન ગિલ અને જસપ્રિત બુમરાહ મુખ્ય દાવેદાર છે.
૨૦મી જૂનથી લીડઝ ખાતે રમાનારી ટેસ્ટ સાથે પાંચ મેચની સિરીઝ ઉપરાંત નવી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ સાઇકલનો પણ પ્રારંભ થશે.હાલમાં આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સના કોચિંગ સ્ટાફમાં રહેલા વિક્રમ રાઠોરે જણાવ્યું હતું કે આ પ્રવાસ કપરો રહેશે. સિનિયર્સની નિવૃત્તિ બાદ આ સિરીઝ આસાન નહીં રહે. આમ હવે ભારત યુવાન ટીમ સાથે રમવાનું છે.
તેમાંય ટીમ પાસે નવો સુકાની હશે. આ તમામ પરિબળોની પ્રદર્શન પર અસર પડશે અને પ્રમાણમાં ઓછા અથવા તો બિનઅનુભવી ખેલાડીઓ પર દબાણ પણ લાવશે.
જોકે સકારાત્મક રીતે જોઈએ તો ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝ પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક સમાન પણ બની રહેશે તેમ કહીને રાઠોરે ઉમેર્યું હતું કે નવોદિત ખેલાડીઓએ પોતાની ક્ષમતા દાખવવાની સાથે સાથે ટીમના સિનિયર્સને આદર પણ આપવો પડશે.SS1MS