Western Times News

Gujarati News

ત્રીજી વન-ડે જીતીને ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝનો વ્હાઇટવોશ કર્યાે

વરસાદથી પ્રભાવિત મેચમાં ઇંગ્લેન્ડનો સાત વિકેટે વિજય,

ઇંગ્લેન્ડે ત્રણ મેચની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધા બાદ હવે બંને ટીમ વચ્ચે છઠ્ઠી જૂનથી ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમાશે

લંડન,પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડે હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોજનાબદ્ધ રમત દાખવી સાત વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યાે હતો. મેચનો પ્રારંભ વરસાદ અને અન્ય વિચિત્ર સંજોગોને કારણે વિલંબથી થયો હતો. જેને કારણે આ મેચ ૪૦-૪૦ ઓવરની કરી દેવાઈ હતી પરંતુ અંતે ઇંગ્લેન્ડનો ટારગેટ પણ બદલાઈ ગયો હતો. આમ છતાં ઇંગ્લેન્ડે સાત વિકેટે મેચ જીતવાની સાથે ત્રણ મેચની સિરીઝમાં કેરેબિયન ટીમનો વ્હાઈટવોશ કર્યાે હતો. જેમી સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો તો જો રૂટને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.

અહીંના ઓવલ ખાતે મંગળવારે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટ્રાફિકમાં ફસાઈ જતાં તેને સ્ટેડિયમ સુધી પહોંચવામાં વિલંબ થયો હતો અને ત્યાર બાદ વરસાદનું આગમન થઈ જતાં મેચ ૪૦ ઓવરની કરી દેવાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે ૨૫૧ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૨૯.૪ ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડને ૪૦ ઓવરમાં ૨૪૬ રનનો ટારગેટ મળ્યો હતો.હવામાન ક્યારેય બદલાઈ શકે છે તે બાબતને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડે પ્રારંભથી જ આક્રમક બેટિંગ કરી હતી. ઓપનર જેમી સ્મિથે ૨૮ બોલમાં ત્રણ સિક્સર અને દસ ચોગ્ગા સાથે ૬૪ રન ફટકાર્યા હતા તો બેન ડકેટે ૫૮ રન ફટકારવાની સાથે પહેલી વિકેટ માટે સાત ઓવરમાં ૯૩ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઇંગ્લેન્ડે ટી૨૦ની માફક બેટિંગ કરી હતી. જોકે જો રૂટે એક છેડો સાચવી રાખતી બેટિંગ કરીને ૪૯ બોલમાં માત્ર એક જ ચોગ્ગા સાથે ૪૪ રન ફટકાર્યા હતા પરંતુ તાજેતરમાં જ આઇપીએલમાંથી પરત ફરેલા જોઝ બટલરે ૨૦ બોલમાં અણનમ ૪૧ રન ફટકાર્યા હતા.અગાઉ વેસ્ટ ઇન્ડિઝનો ધબડકો થયા બાદ આઠમા ક્રમના ગુડાકેશ મોતી અને નવમા ક્રમના અલઝારી જોસેફે આક્રમક બેટિંગ કરીને ટીમનો સ્કોર ૨૫૦+ પહોંચાડ્યો હતો. મોતીએ ૫૪ બોલમાં ૬૩ અને જોસેફે ૨૯ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા.ઇંગ્લેન્ડે ત્રણ મેચની વન-ડે સિરીઝ ૩-૦થી જીતી લીધા બાદ હવે બંને ટીમ વચ્ચે છઠ્ઠી જૂનથી ત્રણ મેચની ટી૨૦ સિરીઝ રમાશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.