“મનોરંજન ઉદ્યોગે દર્શકોની પસંદગીઓમાં થઈ રહેલા પરિવર્તન સાથે અનુકૂલન સાધ્યું છે”: કિશોરી શહાણે વિજ
તાજેતરમાં પ્રસ્તુત થયેલો ઝી ટીવીનો શો ‘કૈસે મુજે તુમ મિલ ગયે’ પોતાના પ્રિમિયરથી જ બે વિરોધાભાસી પાત્રો – અમૃતા (સૃતી ઝા) અને વિરાટ (અર્જિત તનેજા)ની અસંભવ લાગતી પ્રેમકથા વડે દર્શકોને પોતાની સાથે જોડી રાખવામાં સફળ થયો છે. આ શોના હાર્દસ્થાને જે વાર્તા છે જેમાં એક તેજસ્વી, રોમાન્ટિક મરાઠી મુલગીનો ભેટો એક દમદાર પંજાબી મુંડા સાથે થાય છે
જે લગ્ન નામની સંસ્થામાં વિશ્વાસ નથી રાખતો હોતો કારણ કે તેનું માનવું હોય છે કે બધી સ્ત્રીઓ પૈસા પાછળ જ દોડતી હોય છે. સૃતી અને અર્જિત ઉપરાંત, અભિનેત્રી કિશોરી શહાણે વિજ પણ આ શોમાં જોવા મળે છે. તે બબિતા આહુજાની ભૂમિકા ભજવે છે, જે વિરાટની માતા છે. દક્ષિણ દિલ્હીની એક કુલીન પંજાબી મહિલા, બબિતા પોતાના સોશિયલ સ્ટેટસ અંગે ભારે ગર્વ કરે છે અને સમાજમાં તેની કેવી છબી છે એ વિશે સતત ચિંતિત હોય છે.
1. પાત્રમાં ઢળી જવા માટે તમે કેવા પ્રકારની તૈયારી કરી છે?
જ્યારે બબિતાનું પાત્ર મને વર્ણવવામાં આવ્યું, મને તે મારા પોતાના વ્યક્તિત્વ કરતાં ઘણું અલગ લાગ્યું અને અહીં જ એક કલાકાર તરીકે મારે માટે પડકાર રહેલો છે. તે દક્ષિણ દિલ્હીમાં રહેતી એક કુલીન પંજાબી માતા છે અને હું પંજાબી પરિવારમાં પરણેલી એક મહારાષ્ટ્રીયન મહિલા છું, આથી મને ખ્યાલ આવ્યો કે પંજાબી સંસ્કૃતિ, રીતભાત અને શરીરના હાવભાવો વિશેના મારા અવલોકનોને હું આ પાત્ર માટે ઉપયોગમાં લઈ શકું એમ છે. મારા પોતાના જીવનના અનુભવોમાંથી,
અને મારા જીવનના વિવિધ તબક્કાઓમાં મેં ભજવેલી અનેક ભૂમિકાઓમાંથી નીચોડ કાઢીને, હું મારાથી બનતો શ્રેષ્ઠ ઉપાય કરી રહી છું કે હું આ ભૂમિકાને શક્ય તેટલી સાહજિકતાથી ભજવું. પોતે એક માતા હોવાથી, હું માનું છું કે માતૃત્વની સ્વાભાવિક પ્રતિક્રિયાઓનું નિરુપણ કરવાથી મને આ ભૂમિકામાં સચોટતાનું એક સ્તર ઉમેરવામાં મદદ પણ મળી છે,
અને આ કારણે બબિતાના પાત્ર સાથે દર્શકો જોડાણ અનુભવી શકશે અને સતત તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચેલું રાખશે. છટાવાન અને વ્યક્તિત્વના અનેક પાસાંઓ વાળી, આ દક્ષિણ દિલ્હીની મહિલાના જીવનને આ શો થકી મૂર્તરૂપ આપવા બદલ હું રોમાંચિત છું, અને મને બસ એટલી જ આશા છે કે દર્શકો આ પાત્ર અને અમે જે ઊંડાઈ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે તેની સાથે તાદાત્મ્ય અનુભવી શકશે.
પ્ર. તમારા માનવા પ્રમાણે આ શોમાંથી દર્શકોને ક્યો સંદેશ મળે છે?
ટેલિવિઝન ઘણા સમયથી સમાજનો અરીસો બની રહેતું આવ્યું છે. આ કળા જીવનને પ્રભાવિત કરતું હોવાની અને સામે જીવન કળાને પ્રભાવિત કરતું હોવાનો એક વાસ્તવિક ચક્ર છે. અને અહીં, આ સંદર્ભમાં, સંબંધો, લગ્ન અને પ્રેમ અંગે આધુનિક યુગની હકીકતો પ્રસ્તુત કરવાનો વિચાર પાયામાં રહેલો છે. આજની યુવા પેઢી લગ્ન પ્રત્યેના અભિગમમાં ભિન્ન વિચારધારાઓ ધરાવે છે. જ્યાં એક તરફ, આપણે એવા લોકો જોઈએ છીએ
જેમનું માનવું છે કે લગ્નમાં જીવનસાથીઓ વચ્ચે એક નાજૂક સંતુલન પ્રાપ્ત કરવા માટે સતતપણે પ્રયત્નશીલ રહેવું પડે છે અને આ ઉપરાંત તેઓ તેની પવિત્રતામાં વિશ્વાસ રાખતા હોય છે. બીજી પણ એક બાજુ છે જેમાં લોકો તેમના વ્યક્તિગત અનુભવોને કારણે લગ્ન નામની સંસ્થામાં વિશ્વાસ ગુમાવવા માંડ્યા છે અને એવો પ્રશ્ન પણ કરતાં થઈ ગયા છે કે તે ખરેખર જરૂરી છે કે કેમ. અમારી વાર્તા એ વાતના ઊંડાણમાં ઉતરે છે કે જ્યારે વૈવિધ્યતા વાળી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા અને અલગ દષ્ટિકોણ વાળા બે લોકોના રસ્તા જ્યારે લગ્નના વિષય ઉપર એક્બીજાને આંતરે ત્યારે શું થાય છે અને તે બે વ્યક્તિઓ વચ્ચેના સમીકરણો જે રીતે વિકસે છે તે આધુનિક સમયના પ્રેમ વિશે એક યથાર્થપૂર્ણ કથા બનાવે છે.
પ્ર. ‘કૈસે મુજે તુમ મિલ ગયે’ના કલાકારવૃંદ સાથે ઘણું કામ કર્યા પછી, બધા સાથેના તમારા બંધનને તમે કેવી રીતે વર્ણવશો?
હું બધાની સાથે ખૂબ સારું બંધન ધરાવું છું, ખાસ કરીને હેમાંગી સાથે, કારણ કે અમે બંને મહારાષ્ટ્રીયન છીએ અને સેટ ઉપર તેમજ કામથી બહાર પણ ઘણું સારું હળીમળી ગયા છીએ. હું તેના કામ અને તેની પ્રતિભાની બહુ મોટી ચાહક છું. તે ખૂબ સારું પ્રદર્શન કરે છે; એવા લગભગ દરેક મરાઠી ભાષાના વિષયવસ્તુ માટેના પુરસ્કાર કાર્યક્રમો, કે જેમાં હું તેને મળી છું, મે તેને કહ્યું છે કે તેનું નામ જે પુરસ્કાર માટે પ્રસ્તુત કરવામાં આવ્યું હોય, તે તેને મળશે.
હું ખૂબ ખુશ છું કે અમે બંને પહેલી વખત પડદા ઉપર એકસાથે દેખાઈ રહ્યાં છીએ. આ ઉપરાંત, હું અર્જિત અને સૃતી સાથે એક મધુરું જોડાણ ધરાવું છું, તેઓ બંને ખૂબ વહાલા છે. બપોરે જમવાના સમયે અમે બધા સાથે બેસીએ છીએ અને જમવાનું એકબીજા સાથે વહેંચીએ છીએ.
પ્ર. તમે તમારા પાત્ર સાથે કેટલું સામ્ય ધરાવો છો કે તેનાથી કેટલા અલગ છો?
હું મારા પાત્ર, બબિતા કરતાં ઘણી અલગ છું કારણ કે તે લાક્ષણિક ઉદ્ધત સ્વભાવની દક્ષિણ દિલ્હીની મહિલા છે, જે પોતાના સોશિયલ સ્ટેટસ બાબતે ખૂબ ઉચાટ અનુભવતી રહેતી હોય છે. તે કુલીન પંજાબી મહિલા છે જે પોતાની આસપાસની તમામ બાબતો અને બધા લોકો ઉપર કાબૂ રાખવા માંગે છે. વધુમાં, હું શોમાં એક સારા-નરસા એમ બંને અંશ ધરાવતું પાત્ર ભજવું છું જે શોમાં અનેક મોડ અને મરોડ લઈને આવશે.
જ્યારે મારા નિર્માતાએ મારી સામે બબિતાનું પાત્ર વર્ણવ્યું ત્યારે મને તે ખૂબ જ અલગ અને મારાથી વિપરીત હોવાનું લાગ્યું, આથી એક પડકાર તરીકે મેં તેને ભજવી બતાવવાનું સ્વીકારી લીધું અને પડદા પર આ ભૂમિકા ભજવવાની એક-એક પળ હું માણી રહી છું.
પ્ર. તમે મનોરંજન ઉદ્યોગમાં ઘણા લાંબા સમયથી છો, શું તમે ડેઇલી સોપ વિષયવસ્તુ અથવા શૂટિંગની પ્રક્રિયામાં કોઈ નવા ફેરફારો અથવા પરિવર્તન થતાં જોયા છે?
મારું એવું અવલોકન છે કે તાજેતરના વર્ષોમાં, ડેઇલી સોપ્સના વિષયવસ્તુ અને ફિલ્મિંગની તકનીકોમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. હવે આધારભૂત અને જોડાણ અનુભવી શકાય તેવી વાર્તાની ઘણી વધુ માંગ છે, જેને લીધે આવા શોના વર્ણનની રીત અને શૈલીમાં નવો વળાંક આવ્યો છે. આજના દર્શકો સારી રીતે વિકસાવેલા પાત્રો, વાસ્તવદર્શી કથાનકો, અને જકડી રાખતા ઘટનાક્રમોની સરાહના કરે છે.
અને આ શો થકી અમે દર્શકોને આ જ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. મારે એ ઉમેરવું રહ્યું કે તકનીકી પ્રગતિએ ફિલ્મ નિર્માણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને ગતિશીલ બનાવી છે. એકંદરે, મનોરંજન ઉદ્યોગે દર્શકોની પસંદગીઓમાં થઈ રહેલા પરિવર્તન સાથે અનુકૂલન સાધ્યું છે, જે એક બહોળી શ્રેણીના વૈવિધ્યપૂર્ણ અને પોતાની સાથે જોડી રાખનારા વિષયવસ્તુમાં પરિણમ્યું છે.