Western Times News

Gujarati News

આગામી તા. ૨૭ એપ્રિલના રોજ રાજ્યકક્ષાનો ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાશે

પ્રથમવાર તમામ ૩૩ જિલ્લાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજે ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને સન્માનિત કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થપાશે

‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.૨૭ એપ્રિલ રવિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૭:૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાજ્યના ૩૩ જિલ્લાના ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ અભિયાનમાં સ્વયંભૂ રીતે જોડાઈને પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

રાજ્યભરના પર્યાવરણપ્રેમી શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરીને નવો કીર્તિમાન-રેકોર્ડ સ્થાપવામાં આવશે.

માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ,બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સંસ્થાના આયોજકો,રાજ્ય કમિટી સભ્યો અને કાર્યક્રમમાં જોડાયેલ જિલ્લા સંયોજકો દ્વારા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલા શિક્ષકો તેમજ પર્યાવરણપ્રેમી મિત્રોની માહિતી તેમજ ફોટોગ્રાફ્સ એકત્ર કરીને કુલ ૨,૫૨૫ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, પ્લાસ્ટિક મુક્તિ, ઊર્જા બચત, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા તથા સમાજમાં જાગૃતિ લાવવાના હેતુસર રાજ્યના સૌથી મોટા અને વિશિષ્ટતા ધરાવતા ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક હોદેદારો,વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી, રાજ્ય કમિટીના સંયોજક શ્રી મિનેશભાઇ પ્રજાપતિ (કપડવંજ),શ્રી વિજયભાઈ રાવળ (મહેસાણા) તથા શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ (ગાંધીનગર) સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.