EPF, ઉજ્જવલા, ગરીબ કલ્યાણ સહિત યોજનાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રિત કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજના અને પ્રવાસી મજૂરો માટે ભાડાની આવાસ યોજના સંબંધિત નિર્ણયો પર મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટ બેઠક પછી સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતાં જણાવ્યુ કે ગરીબ કલ્યાણ અનાજ યોજનાને નવેમ્બર સુધી વધારવાની સાથે જ ૧૦૦થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓના કર્મચારીઓ અને માલિકોના ભવિષ્ય નિધિ ફંડ સાથે સંકળાયેલા સરકારી ફાળાને વધારે ત્રણ મહિના આપવાનો નિર્ણય લેવાયો છે.
જાવડેકરના જણાવ્યા મુજબ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ ગેસ સિલેન્ડર મફત આપવાની સમયમર્યાદાને ત્રણ માસ સુધી લંબાવવામાં આવી છે તથા ૧૦૭ શહેરોમાં એક લાખથી વધુ નાના ફ્લેટ્સ પ્રવાસી મજૂરોને ભાડે આપવાનો નિર્ણય પણ લેવાયો છે. જાવડેકરે કહ્યુ કે, વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી,
આજે મંત્રીમંડળે તેને મંજૂરી આપી છે.જૂલાઇથી નવેમ્બપ સુધી પાંચ મહિના આ યોજના ચાલુ રહેશે. જેમાં ૮૧ કરોડ લોકોને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ અને એક કિલો ચણા દર મહિને મળશે. તેમણે જણાવ્યુ કે ગત મહિનામાં ૧.૨૦ કરોડ ટન અનાજ, પાંચ મહિનામાં ૨.૦૩ કરોડ ટન અનાજ આપવામાં આવ્યુ છે.