ગુનેગારને પણ કાયદા હેઠળ રક્ષણ અને સન્માન મળવું જોઈએ: સુપ્રીમ

નવી દિલ્હી, કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તેને કાયદા હેઠળ રક્ષણ અને સન્માન મળવું જોઈએ, એમ કહી સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકોને કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિઓના કાનૂની અધિકારોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
કેસની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પોલીસને રાજ્ય તંત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ગણાવતા કહ્યું હતું કે, સમાજ અને વ્યક્તિઓની સલામતી માટે પોલીસમાં જનતાનો વિશ્વાસ જાળવવો મહત્વપૂર્ણ છે.
કોર્ટે પોલીસ વિભાગને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવા કહ્યું જેથી કોઈ પણ નાગરિક અન્યાયનો ભોગ ન બને.કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતા ૧૯૭૩ની કલમ ૪૧(૧)(બી) (૨) હેઠળ હરિયાણાના વકીલ દ્વારા બતાવેલી ચેકલિસ્ટનો ઉલ્લેખ કર્યાે હતો.
સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસ દ્વારા તૈયાર કરાયેલી ધરપકડ સંબંધિત ચેકલિસ્ટ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, તે માત્ર એક ઔપચારિકતા હોય તેવું લાગે છે અને તેને ગંભીરતાથી ભરવામાં આવી નથી. એક વ્યક્તિએ આરોપ લગાવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
જેની હરિયાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયત લીધા બાદ પોલીસ સ્ટેશનમાં શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પીડિતના ભાઈએ તે જ દિવસે સવારે ૧૧.૨૪ વાગ્યે પોલીસ અધિક્ષકને ધરપકડ અંગે ફરિયાદ કરતો ઈમેલ મોકલ્યો હતો, જેના પગલે બપોરે ૧.૩૦ વાગ્યે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પોલીસ કાર્યવાહીને બિનજરૂરી શક્તિ પ્રદર્શન ગણાવ્યું અને કહ્યું કે કોઈપણ વ્યક્તિ સાથે કાયદા હેઠળ યોગ્ય વર્તન થવું જોઈએ.સુપ્રીમ કોર્ટે પોલીસ અધિકારીઓને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે જો આવી ઘટનાઓ ફરી બનશે તો દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કોર્ટે પોતાના ૨૦૨૪ના ચુકાદાની નકલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિર્દેશકો અને દિલ્હી પોલીસ કમિશનરને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તેઓ અટકાયતમાં લેવાયેલા વ્યક્તિઓના અધિકારોનું પાલન સુનિશ્ચિત કરી શકે.SS1MS