પક્ષનું નામ ભલે ચોરી ગયા પણ મારી અટક કોઈ નહીં છીનવી શકેઃ ઉદ્ધવ
મુંબઈ, શિવસેના પાર્ટીનું નામ અને ચૂંટણીચિહ્ન તીર-કમાન છીનવી લેવાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાર્ટીના ફંડ અંગે ટિપ્પણી કરવાનો ચૂંટણીપંચે કોઈ અધિકાર જ નથી. તે કોણ છે એ નક્કી કરનાર કે કોને શું અને કેટલું મળશે? ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ચૂંટણીપંચને ભંગ કરી દેવાની જરૂર છે અને ચૂંટણી કમિશનરની નિમણૂક હવે લોકો દ્વારા થવી જાેઈએ. તેમણે કહ્યું કે તમે અમારી પાર્ટીનું નામ ચોરી ગયા છો પણ ઠાકરે નામ કોઈ છીનવી નહીં શકે. ભાજપે શિવસેનાનો સફાયો કરી દેવાની યોજના બનાવી છે. તેમણે કાવતરું ઘડીને અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન છીનવી લીધા.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમકોર્ટે પણ આંચકો આપ્યો છે. પાર્ટીનું નામ શિવસેના અને તેનું ચૂંટણી ચિહ્ન તીર-કમાન છીનવીને એકનાથ શિંદે જૂથને આપવાના ચૂંટણીપંચના ર્નિણય વિરુદ્ધ તાત્કાલિક સુનાવણીથી ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત વિધાનસભામાં સ્થિત શિવસેનાની ઓફિસ પણ એકનાથ શિંદે જૂથને સોંપી દીધી છે. એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર રાહુલ નાર્વેકર સાથે મુલાકાત કરીને આ અંગે માગણી કરી હતી. તેના પછી સ્પીકરે ર્નિણય લીધો હતો. આ રીતે શિવસેનાના હાથમાંથી વિધાનસભાની ઓફિસ પણ જતી રહી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટે તાત્કાલિક સુનાવણીનો પણ ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલને કહ્યું કે આ મામલે તાત્કાલિક સુનાવણી ન થઇ શકે. બેન્ચે કહ્યું કે તમે કાલે અરજી દાખલ કરો પછી વિચારીશું. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જે અરજી પર તાત્કાલિક સુનાવણીની માગ થઈ રહી હતી તે યાદીમાં મેન્શન નહોતી. એટલા માટે કાલે તેને લિસ્ટમાં મેન્શન કરવામાં આવે પછી સુનાવણી અંગે વિચાર કરાશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીના જવાબમાં એકનાથ શિંદેએ કેવિયેટ પણ દાખલ કરી રાખી છે. શિંદે જૂથનું કહેવું છે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના શિવસેનાનું નામ અને નિશાન અંગે કોઈ ચુકાદો ન આપવામાં આવે.SS2.PG