સુરતમાં વિસર્જનના દિવસે પણ જાહેરમાં હત્યા કરાયેલી લાશ મળી
સુરત, સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં હત્યાની બે ઘટના બની છે. કતારગામ વિસ્તારમાં મંગળવારે ગણેશ વિસર્જનના દિવસે જ જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. અલબત્ત, આ ઘટનાને ગણેશ વિસર્જન સાથે કોઈ નિસ્બત નહતો. એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગત મોડી રાતે પણ વરાછા વિસ્તારમાં યુવાનની હત્યા થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં પ્રભુ નગર પાસે આવેલા સાંઇબાબા મંદિર સામે જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. યુવકને તીક્ષ્ણ હથિયારના મારી પતાવી દેવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
ચોકબજાર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગણેશ વિસર્જનના દિવસે હત્યાના કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે યુવકની હત્યા થઈ હતી, તેની હાલ ઓળખ થઈ નથી. ચોકબજાર પોલીસે યુવકની લાશને પોસ્ટમોટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી છે. પોલીસે યુવકની ઓળખ કરવા મથામણ આદરી છે.
હત્યા કરનારને પકડી પાડવા લાશ મળી તેની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. બીજા બનાવમાં સુરતના વરાછા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટિજ ઓવરબ્રિજ નીચે સોમવારે મોડી રાત્રે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
યુવકના ખિસ્સામાંથી એક કિ-ચેઈન મળી આવી હતી, જેના પર મોબાઈલ નંબર લખેલો હતો. આ નંબરના આધારે યુવકની ઓળખ થઈ હતી. મૃતકનું નામ અરવિંદ રાઠોડ (૩૬) હતું. પથ્થરથી યુવકને માથાના પાછળના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
આ મામલે કાપોદ્રા પોલીસે યુવકના મોટા ભાઈ દશરથ રાઠોડની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતક ૫-૬ દિવસ પહેલા તેના ગામ પાલીતાણાથી સુરત મજૂરી કામ કરવા આવ્યો હતો. અરવિંદ અપરિણીત હતો. પોલીસના કહેવા પ્રમાણે લાશ મળી ત્યાં નજીકના સીસીટીવી કેમેરામાં મૃતક અને હત્યારો બંને ચાલતા જોવા મળે છે. જોકે હત્યારો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS