ડ્રગની પાર્ટી કરવા માટે મકાન ભાડે પણ મળે છે!
અમદાવાદ, એસઓજીની ટીમે નારણપુરા જૈન દેરાસર પાસેના એલિફન્ટા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પાર્ટી માટે મકાન ભાડે આપનાર જિગ્નેશ પંડ્યા સહિતના સાત ડ્રગ્સ સપ્લાયર-પેડલરોને ઝડપી લીધા છે. તેમની પાસેથી ૨૫.૬૮ લાખનું ડ્રગ્સ જપ્ત કરાયું છે.
અમદાવાદ એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાની ટીમને બાતમી મળી હતી કે, ફતેહવાડીનો મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. તેણે મધ્યપ્રદેશમાં રહેતા મોહંમદ ખાન પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો છે. મોહંમદ ખાન, મુસ્તકીમ સહિતના શહેરના કુખ્યાત ડ્રગ્સ પેડલરો નારણપુરાના એલિફન્ટા એપાર્ટમેન્ટમાં જિગ્નેશ પંડ્યા નામના મકાનમાલિક કમ પેડલરના ઘરમાં એમડી ડ્રગ્સના જથ્થાની લેવડદેવડ કરવાના છે.
બાતમીના આધારે એસઓજીની ટીમ એલિફન્ટા પહોંચી હતી, જ્યાં જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં રેડ કરી હતી. જિજ્ઞેશ પંડ્યાના ઘરમાં મોહંમદ ખાન, મુસ્તકીમ ઉર્ફે ભૂરો, ધ્›વ પટેલ, મોહંમદ એઝાઝ શેખ, અબરારખાન પઠાણ હાજર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધાને તેમની અંગઝડતી કરી હતી.
તમામ પાસેથી એસઓજીની ટીમને સફેદ પાઉડર મળ્યો હતો. જેની એફએસએલ તપાસ કરાવતાં તે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ત્યાંથી એક સ્કોર્પિયો ગાડી પણ મળી હતી. જેમાંથી પણ ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ જપ્ત કરીને તમામ પેડલરોને ઝડપી લીધા હતા. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનના ડ્રગ્સ-માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા.
આ રેડની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, જિગ્નેશ પંડ્યા પોતાનું ઘર ડ્રગ્સની પાર્ટી માટે જ ભાડે આપતો હતો. ડ્રગ્સના બંધાણી તેના ઘરમાં બેસીને ડ્રગ્સનો નશો કરતા હતા.SS1MS