Western Times News

Gujarati News

વિપક્ષોને પણ સમજાઈ ગયું છે કે મોદી નોખી માટીનો માણસ છે

૩૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શીલાન્યાસ કર્યો, મોદીએ કહ્યું કે આઝમગઢનો અભૂતપૂર્વ વિકાસ થશે

આઝમગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૦ માર્ચના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક સભા કરી હતી. આ સભામાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી અને વિરોધપક્ષોને ચાબખા મારવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી ગઈ છે અને હવે તૈયારી કરવા માટે બહુ ઓછો સમય છે. ત્યારે વડાપ્રધાન મોદી દેશભરમાં પ્રવાસ કરીને સભાઓ સંબોધી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા સતત નવી નવી યોજનાઓ જાહેર થઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમગઢમાં ૩૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓનો શીલાન્યાસ કર્યો હતો. કેટલીક યોજનાઓનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે અગાઉની સરકારો લોકોને છેતરવા માટે જાહેરાતો કરતી હતી. ચૂંટણી પહેલા વચનો આપતા હતા અને ત્યાર પછી ગાયબ થઈ જતા હતા. નેતાઓ ક્યાંય શોધ્યા મળતા ન હતા. આજે દેશ જોઈ શકે છે કે મોદી અલગ માટીનો બનેલો માણસ છે.

મોદીએ કહ્યું કે આઝમ ગઢ એ આજન્મ ગઢ છે. અહીં આજન્મ વિકાસ ચાલુ રહેશે અને અનંતકાળ સુધી વિકાસ થતો રહેશે. આ મોદીની ગેરંટી છે. ૨૦૧૯માં અમે જે જગ્યાએ શીલાન્યાસ કર્યા હતા તે ચૂંટણી માટે ન હતા. તમે જોઈ શકો છો કે અમે તેનું ઉદ્‌ઘાટન પણ કરી દીધું છે. ૨૦૨૪માં પણ કોઈએ તેને ચૂંટણીના ચશ્માથી જોવું ન જોઈએ. આ મારી વિકાસયાત્રાનું અભિયાન છે.

મોદીએ આ પ્રસંગે ઈન્ડિયા ગઠબંધનને નિશાન બનાવીને કહ્યું કે આઝમગઢનો જે વિકાસ થયો છે તેણણે જાતિવાદ, પરિવારવાદ અને વોટબેંકના ભરોસા પર બેઠેલા ઈન્ડિયા ગઠબંધનની ઉંઘ ઉડાવી દીધી છે.

વડાપ્રધાને આઝમગઢ, શ્રાવસ્તી, ચિત્રકૂટ અને અલીગઢ એરપોર્ટ અને લખનૌમાં ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ૩,૭૦૦ કરોડ રૂપિયાની પીએમ ગ્રામ સડક યોજના હેઠળ ઉત્તર પ્રદેશના ૫૯ જિલ્લાઓમાં બનેલા ૫,૩૪૨ કિલોમીટરથી વધુ રસ્તાઓનું પણ તેમના દ્વારા ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સમગ્ર ઉત્તર પ્રદેશમાં રૂ. ૮,૨૦૦ કરોડના મૂલ્યની ૧૨ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો.

શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાને સમગ્ર ભારતમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ ૧૦૦ રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી તેના કારણે વિપક્ષના કેટલાક નેતાઓએ તેમની ટીકા કરી હતી. એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુલેએ આ જાહેરાતને જુમલા ચાલ ગણાવી હતી જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ કહ્યું હતું કે પીએમ મોદીની ‘નારી શક્તિ’ ચૂંટણી પ્રચાર સુધી મર્યાદિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.