યુવાનો પણ જયોતિષોના રવાડે ચઢીને છેતરાઈ રહ્યા છેઃ એક વિદ્યાર્થીએ 5.20 ગુમાવ્યા
જયોતિષો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી ભણેલા ગણેલા યુવાનો પણ છેતરી રહ્યા છે
અમરાઈવાડીમાં વિધિના બહાને જ્યોતિષે રૂ.પ.ર૦ લાખ પડાવ્યા-વિદ્યાર્થીનું કામ ન થતાં જ્યોતિષીનો ભાંડો ફૂટયો
(એજન્સી)અમદાવાદ, જ્યો લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત અમરાઈવાડીમાં રહેતા એક વિદ્યાર્થી ઉપર સાચી સાબિત થઈ રહી છે. વિદ્યાર્થીને સારી નોકરી અને લગ્ન માટે સારી યુવતી મળી રહે તે માટે તેણે ઈન્સ્ટાગ્રામ પરથી એક જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષીએ વિદ્યાર્થી પાસેથી દૈવી દોષના નામે રૂ.પ.ર૦ લાખ ઓનલાઈન પડાવી લીધા હતા. જેમાંથી ૯૦ હજાર પરત આવી ગયા છે. જ્યોતિષીએ વિદ્યાર્થીનું રૂ.૪.૩૦ લાખ ચીટિંગ કરી લીધું છે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલી રબારી કોલોનીમાં રહેતા રપ વર્ષીય પ્રિન્સ દેસાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મયુર જોશી નામના એસ્ટ્રોલોજર (જ્યોતિષી) વિરૂદ્ધ ચીટિંગની ફરીયાદ કરી છે. પ્રિન્સ મૂળ પાટણ જિલ્લાના ધરમોડા ગામનો રહેવાસી છે અને ઘણા સમયથી માતા કાંતાબહેન અને ભાઈ યુગ સાથે અમદાવાદમાં રહે છે. કાંતાબહેન ઘરકામ કરે છે અને યુગ કોસમોસ બેન્કમાં નોકરી કરતો હતો.
પરંતુ હાલ તે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. પ્રિન્સ નવગુજરાત કોલેજમાં અભ્યાસ કરે છે. પ્રિન્સ નોકરી માટે પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્યો છે. પ્રિન્સ છેલ્લા ચાર વર્ષથી બીઆરટીએસના ટિકિટ બારી પર નોકરી કરતો હતો. વર્ષ ર૦ર૩માં પ્રિન્સ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલીને રિલ્સ જોતો હતો ત્યારે તેણે એસ્ટ્રોલોજર મયુર જોષીની રિલ્સ જોઈ હતી. રીલ્સમાં મયુર જોષીએ સારી નોકરી અને સારા જીવનસાથી મેળવવા માટે પોતાનો નંબર આપ્યો હતો.
પ્રિન્સ અપરિણીત હતો અને તેને નોકરી પણ નહીં હોવાથી તેના મનમાં લાલચ જાગી હતી જેથી તેણે મયૂર જોશીને ફોન કર્યો હતો. પ્રિન્સે મયૂર જોશીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈને ફોન કર્યો હોવાનું કહ્યું હતું અને બાદમાં લગ્ન માટે સારી યુવતી અને નોકરી લેવા માટે ફોન કર્યો હોવાનું પણ કહ્યું હતું. મયુર જોષીએ પ્રિન્સને વિશ્વાસમાં લીધો હતો એ બાદમાં તમારું કામ સફળ થઈ જશે પણ એક વિધિ કરવી પડશે.
તેવું કહીને પાંચ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. પ્રિન્સને વિશ્વાસ આવી જતાં તેણે મયુર જોશીને પાંચ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. રૂપિયા આવી ગયા બાદ મયૂર જોશીએ પ્રિન્સને વીડિયો કોલ કર્યો હતો અને દેવી દેવતાના ફોટોગ્રાફસ બતાવીને વિધિ પણ કરી હતી. વિધિ કર્યા બાદ મયૂર જોશીએ કહ્યું હતું કે તમારું કામ ર૪ કલાકમાં થઈ જશે.
બે દિવસ થઈ ગયા બાદ પણ પ્રિન્સનું એક પણ કામ ન થતાં તેણે મયુર જોશીને ફોન કર્યો હતો. મયુર જોષીએ પ્રિન્સને જણાવ્યું કે હું હાલ કામમાં છું એટલે તમને બે દિવસ પછી સામેથી કોલ કરીશ. બે દિવસની રાચહ જોયા બાદ પ્રીન્સના મોબાઈલ પર ફોન ન આવતાં તેણે સામેથી મયુર જોશીને ફોન કર્યો હતો. મયૂર જોશીએ પ્રિન્સને ફોન પર જવાબ આપ્યો હતો કે તમારે દેવી દોષની તકલીફ છે તો તેની પણ વિધિ કરાવવી પડશે. મયૂર જોશીએ દૈવી દોષની વિધિના બહાને પ્રિન્સ પાસેથી ર૭ હજાર રૂપિયા ઓનલાઈન માંગ્યા હતા.
પ્રિન્સને વિશ્વાસ આવતા તેણે મયૂર જોશીને ર૭ હજાર રૂપિયા ગૂગલ પે કર્યા હતા પરંતુ કોઈ કારણોસર તેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર ગયા નહીં જેથી મયૂર જોશીએ તેના મિત્ર કુંદન ચાવલાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. પ્રિન્સે કુંદન ચાવલાના ખાતામાં ર૭ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પ્રિન્સનું કામ નહીં થતાં તેણે ફરીથી મયૂર જોશીને ફોન કર્યો હતો. મયૂર જોશીએ ફોન પર કહ્યું કે, તમારો દેવી દોષ મોટો છે જેના કારણે તમારું કામ અટકે છે. મયુર જોષીએ અલગ અલગ બહાના બતાવીને પ.ર૦ લાખ રૂપિય હડપ કરી લીધા હતા.
અત્યાર સુધીમાં પ્રિન્સે લગ્ન અને નોકરી માટે મયૂર જોશીને અલગ અલગ વિધિના બહાને પ.ર૦ લાખ રૂપિયા આપી દીધા હતા. રૂપિયા આપ્યા બાદ પણ કામ નહીં થતાં મયૂશ્ર જોશી અલગ અલગ વિધિના બહાને રૂપિયા પડાવવાની કોશિશ કરતો હતો. પ્રિન્સે પોતાના રૂપિયા પરત માંગતા મયૂર જોશીએ ધમકી આપી હતી કે તને એક પણ ફૂટી કોડી પાછી નહીં આપું. તારાથી થાય તે કરી લેજે. પ્રિન્સે આ મામલે મયૂર જોશી વિરૂદ્ધ ફરિયાદો કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.