ર૦ ગામમાં સ્ટ્રીટ લાઈટ નાખી ન હોવા છતાં બોગસ સહી સિક્કાથી બિલ મંજૂર કરી દેવાયા
ખંભાળિયામાં રૂ.૬૮.૩૪ લાખનું સ્ટ્રીટ લાઈટ કૌભાંડ
ખંભાળિયા, ખંભાળિયા પંથકમાં રૂ.૬૮.૩૪ લાખનું સ્ટ્રીટ લાઈટ કૌભાંડ બહાર આવ્યું છે. ર૦ ગામમાં સ્ટ્રીટ લાઈટ નાખી ન હોવા છતાં બોગસ સહી સિક્કા દ્વારા સ્ટ્રીટ લાઈટના બીલ મંજૂર કરી દેવા અંગે જામનગર પંચાયત વિભાગની ઈલેકિટ્રક શાખાના ઈલેકિટ્રિશયન હરીસિંહ પી. ગોહીલ સામે ફરિયાદ થઈ છે.
પોલીસ દફતરેથી મળતી માહિતી મુજબ જામનગર પંચાયત વિભાગની ઈલેકટ્રીક શાખાના ઈલેકટ્રીશ્યન તરીકે નોકરી કરતાં હરિસિંહ પી. ગોહીલની ફરજ જામનગર જિલ્લામાં હોય તેમ છતાં પણ તેમના દ્વારા દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના શક્તિનગર, ધરમપુર, હાપા લાખાસર,
ઉગમણા બારા, સામોર, કોઠા વિસોત્રી, ભાળથર, કંડોરણા, રામનગર, નવી ફોટ, બજાણા, લાલપરડા, ભંડારિયા, કોલવા, હજરાપર, દાત્રાણા, વિરમદળ, કાલાવડ સીમાણી, ભરાણા તથા લાલુકા ગામ ખાતે એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટના કામોમાં કચેરી દ્વારા આપવામાં આવ્યા હતા,
કમ્પ્લીશન સર્ટિફિકેટ પર તેમની સહી કર્યા બાદ લગત તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેરની સહી કરવાની હોય જે સહીના બદલે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી જામનગરના બનાવટી સિક્કા બનાવી પોતાના કબજામાં રાખ્યા હતા. આ સિક્કા લગાવી તેના પર નાયબ કાર્યપાલક ઈજનેર જામનગરની સહી જેવી ભળતી
અને બનાવટી સહી તેમના દ્વારા કે તેમના કોઈ મળતિયા દ્વારા કરી/ કરાવી હતી. અંદાજપત્રની તાંત્રિક મંજૂરીમાં કાર્યપાલક ઈજનેર જામનગરની સહી જેવી ભળતી બનાવટી સહી કરી તેમના બનાવટી સિક્કા મારી દીધા હતા. કાર્યપાલક ઈજનેર કચેરી જામનગરના ખોટા જાવક નંબર નાખી
ફોરવડિંગ લેટર વગર બારોબાર તાલુકા પંચાયત કચેરી ખંભાળીયા ખાતે બારોબાર મોકલી આપ્યા હતા, આ બનાવટી અને બોગસ દસ્તાવેજને ખરા તરીકે રજૂ કરેલ હોય જે બનાવટી કમ્પ્લીશન સર્ટિફિકેટ તથા અંદાજપત્રની તાંત્રિક મંજૂરીના આધારે ખંભાળિયા તાલુકા પંચાયત કચેરી દ્વારા અલગ અલગ કુલ ર૦ ગામના ર૪ કામોની કુલ રકમ રૂ.૬૮,૩૪,૦૦૦ની તાંત્રિક મંજુરી મેળવી આ ઉપરોકત કામોના બિલો મંજુર કરી આપ્યા હતા.
આ સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે કૌશલકુમાર ભીમજીભાઈ છૈયાની ફરિયાદ પરથી ઉપરોકત હરીસિંહ પી. ગોહીલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ જાેષી દ્વારા હાથ ધરવામાં આવી છે.