આજે પણ રાજધાની દિલ્હીમાં ગેંગસ્ટરોની દાદાગીરીઃ વેપારીઓને મળી રહ્યા છે ખંડણીના કોલ
પાટનગર દિલ્હીમાં વેપારીઓને ૩૦૦ દિવસમાં ખંડણીના ૧૬૦ કોલ મળ્યા
નવીદિલ્હી, કેટલાક કિસ્સાઓમા, કોલ કર્યા પછી, ટારગેટ બનાવેલ વ્યકિતના ઘર અથવા ઓફિસની બહાર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા અઠવાડિયામાં, ગેંગસ્ટરોએ જ્વેલર્સ, જિમ માલિક, પ્રોપર્ટી ડિલર, મીઠાઇની દુકાનના માલિક અને મોટર વર્કશોપના માલિકને નિશાન બનાવ્યા હતા. ગયા અઠવાડિયે, માત્ર ચાર દિવસમાં આવા સાત કિસ્સા નોંધાયા હતા.
૫ નવેમ્બરના રોજ ત્રણ લોકો રોહિણી વિસ્તારમાં એક શોરૂમમાં ઘૂસી ગયા હતા અને હવામાં ગોળીબાર કર્યો હતો. તેઓએ ત્યાં એક ખંડણી પત્ર પણ મૂકી ગયા, જેમાં બદમાશોના નામ અને રકમ લખેલી હતી. પત્રમાં લખ્યું હતું કે યોગેશ દહિયા, ફજ્જે ભાઇ અને મોન્ટી માન અને રૂ. ૧૦ કરોડ. ૭ નવેમ્બરે અન્ય એક કેસમાં નાંગલોઇમાં એક જીમ માલિકને આંતરરાષ્ટ્રીય નંબર પરથી કોલ આવ્યો હતો અને ૭ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
ફોન કરનારે જેલમાં બંધ ગેંગસ્ટર દીપક બોકસર સાથે જોડાયેલ હોવાનો દાવો કર્યો હતો. તે લોરેન્સ બિશ્નોઇનો સહયોગી છે. પોલીસે જણાવ્યું હતું કે તમામ સાત કેસોમાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. દિલ્હી પોલીસના ડેટા અનુસાર આ વર્ષ ૧૫ ઓગસ્ટ સુધી રાજધાની દિલ્હીમાં કુલ ૧૩૩ છેડતીના કેસ નોંધાયા છે.
અગાઉ ૨૦૨૨માં આવા ૧૧૦ અને ૨૦૨૩માં ૧૪૧ કેસ નોંધાયા હતા. પોલીસે એમ પણ કહ્યું કે ૨૦૨૨માં લોકો પાસેથી ખંડણીના ૧૮૭ અને ૨૦૨૩માં ૨૦૪ કેસ નોંધાયા હતા. આવા મામલાઓની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોલ કરનાર મોટાભાગે નકલી સિમ કાર્ડ પર લીધેલા વીઓઆઇપી અથવા વોટસએપ નંબરનો ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં, પોલીસે દિલ્હીમાં ખંડણી તેમજ ગોળીબાર અને હત્યામાં સામેલ ૧૧ ગેંગની ઓળખ કરી છે.