GST નંબર વિના પણ વેપારી પોર્ટલ પરથી ઈ-વે બિલ બનાવી શકશે

AI Image
ઈ-વે બિલ વિનાનો માલ ટ્રાન્સપોર્ટર લેતા ન હોવાની ફરિયાદ
સુરત, ૪૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીને જીએસટી નંબર લેવામાં છૂટ આપવામાં આવી છે પરંતુ આવા વેપારી માલ અન્ય જગ્યાએ મોકલવા માંગતા હોય તો ટ્રાન્સપોર્ટર દ્વારા ફરજિયાત ઈ-વે બિલ માંગતા હોય છે.
કારણ કે ઈ-વે બિલ વિના માલ પકડાય તો માલની સાથે ગાડી પણ જપ્ત કરવામાં આવતી હોય છે તેના લીધે ઈ-વે બિલ વિના માલ સ્વીકારતા નહીં હોવાની પણ સમસ્યા સર્જાતી હોય છે. તેના નિરાકરણ માટે જીએસટી પરથી હવે જે વેપારી પાસે જીએસટી નંબર નહીં હોય તે વેપારી પણ ઈ-વે બિલ બનાવી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે.
જીએસટી પોર્ટલ પર ઈએનઆર ૦૩ નામની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે તેમાં જે પણ વેપારી પાસે જીએસટી નંબર નહીં હોય તે વેપારીએ જે નામે વેપાર ચાલતો હોય તે વેપારનું સ્થળ, પાન નંબર અને સામેવાળા વેપારીને માલ મોકલવાનો હોય તેનો જીએસટી નંબર લખવાનો રહેશે. આ ઉપરાંત મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે જેથી મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તે ઓટીપી પોર્ટલ પર લખ્યા બાદ ઈ-વે બિલ બનાવી શકશે.
આ સુવિધા શરૂ કરવા પાછળનું કારણ એવું પણ છે કે, જે વેપારી પાસે જીએસટી નંબર નથી અને તેને પોતાનો માલ મોકલવો હોય તો ટ્રાન્સફર ઈ-વે બિલ વિના માલ સ્વીકારવાની ના પાડી દે. અ અંગે ટેકસ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જીએસટી નંબર નહીં ધરાવનાર માલ મોકલવામાં ઈ-વે બિલ નહીં નીકળવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા.