Western Times News

Gujarati News

દર વર્ષે પગાર-પેન્શન, વ્યાજ પાછળ સરકારને ૧.૧૩ લાખ કરોડનો ખર્ચ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૫-૨૬ માટેના વાર્ષિક બજેટનું કુલ કદ રૂપિયા ૩,૭૦,૨૫૦ કરોડ છે. કોઈપણ સરકારના વાર્ષિક બજેટમાં (૧) મહેસૂલી આવકો-મૂડી આવક અને (૨) મહેસૂલી ખર્ચ-મૂડી ખર્ચનો સમાવેશ કરાતો હોય છે.

અહીં નોંધનીય બાબત એ છે કે, આ બજેટમાંથી ગુજરાત સરકાર રૂપિયા ૧,૧૩,૨૦૬ કરોડ તો માત્ર કર્મચારીઓ-અધિકારીઓના વાર્ષિક પગાર, નિવૃત્ત કર્મીઓ-નિવૃત્ત અધિકારીઓના પેન્શન અને સરકાર દ્વારા કરાયેલા કુલ દેવા પરના વાર્ષિક વ્યાજ પેટે ચૂકવશે.

વર્ષ ૨૦૨૫-૦૨૬માં ગુજરાત સરકારની મુખ્ય આવક સમી મહેસૂલી આવક રૂ. ૨,૫૧,૫૫૩ કરોડ થવાની છે. તેના ૪૫ ટકા જેટલી રકમ તો, આ (પગાર, પેન્શન, વ્યાજ)ની ફરજિયાત ચૂકવણી પાછળ ખર્ચાશે અર્થાત મહેસૂલી આવકની માત્ર ૫૫ ટકા રકમ જ સરકારના અન્ય બજેટ માટે ખર્ચાશે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તેના વાર્ષિક બજેટના કુલ કદ માટે મસમોટા આંકડા દર્શાવાય છે અને તેને સૌથી મોટું-ઔતિહાસિક બજેટ કહેવાની કોશિશ કરાય છે.

હવે સ્વાભાવિક ઘટના છે કે, રાજ્યમાં થતો વસતિ વધારો, ચીજ-વસ્તુઓના ભાવમાં થતા વધારાને કારણે સરકાર કોઈપણ ચીજ-વસ્તુનો ટેક્સમાં વધારો ન કરે તો પણ ગત વર્ષની સરખામણીમાં લોકો દ્વારા થતી ખરીદી ઉપર તેમના દ્વારા ભરાતા વિવિધ વેરાને કારણે આવકમાં વધારો ધરખમ જોવા મળે છે પરિણામ સ્વરૂપ, સરકારના બજેટમાં ૧૨થી ૧૫ ટકાનો વધારો થાય છે.

જે કોઈ સરકારનો કમાલ નથી પણ તે સ્વાભાવિક રીતે જ વેરાની આવકોમાં થતાં વધારાનું પરિણામ હોય છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાત સરકારના બજેટનું કુલ કદ રૂ. ૩,૩૨,૪૬૫ કરોડનું હતું. એમાંથી ૧,૦૩,૪૬૧ કરોડ આ પગાર-પેન્શન અને વ્યાજ પેટે ખર્ચાયા હતા. વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારનું બજેટ કુલ ૩,૭૦,૨૫૦ કરોડ છે.

એમાં સરકારની કુલ મહેસૂલી આવક રૂ. ૨,૫૧,૫૫૩ કરોડ થવાની છે. તેના ૪૫ ટકા લેખે એટલે કે, રૂ. ૧,૧૩,૨૦૬ કરોડ આ પગાર-પેન્શન, દેવાના વ્યાજ પેટે ચૂકવવા પડશે. આ એવો ફરજિયાત ખર્ચ છે કે, સરકાર તેમાં કોઈ ઘટાડો કે પાછીપાની કરી શકે જ નહીં. ગુજરાત સરકારને વર્ષ ૨૦૨૫-૨૬માં પગાર પેટે રૂ. ૫૨,૮૪૭ કરોડ, પેન્શન પેટે રૂ. ૨૯,૧૧૭ કરોડ અને કરેલા દેવા પર વ્યાજ પેટે રૂ. ૩૧,૨૦૧ કરોડનો ફરજિયાત ખર્ચ કરવો પડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.